નર્મદા જિલ્લામાં એક વર્ષમાં રૂ. ૫૭ લાખની પ્રાકૃતિક કૃષિ પેદાશોનું થયું વેંચાણ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત વિવિધ શાકભાજી અને અનાજ ખરીદવાનું જિલ્લાવાસીઓ મા વધતું જતું ચલણ

કૃષિને રસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના દુષ્પ્રભાવથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આદરવામાં આવેલા પ્રાકૃતિક કૃષિ અભિયાન નર્મદા જિલ્લાના ખેડૂતો ઉપર પ્રભાવશાળી અસર પાડી રહ્યું હોવાની પ્રતીતિ પ્રાકૃતિક કૃષિ પેદાશોના આંકડા ઉપરથી થાય છે. નર્મદા જિલ્લામાં છેલ્લા એક જ વર્ષમાં અંદાજિત રૂ. ૫૭ લાખની પ્રાકૃતિક કૃષિ જણસોનું વેચાણ થવા પામ્યું છે.

નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાએ ૩, તાલુકા કક્ષાએ સાત અને ક્લસ્ટર કક્ષાએ ૧૪ મળી કુલ ૨૪ જેટલા પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ કેન્દ્રો કૃષિ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. અહીંથી નાગરિકો ઉત્સાહભેર ખરીદી કરી પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતોને પ્રોત્સાહન પૂરૂ પાડી રહ્યા છે.

નર્મદા જિલ્લામાં કાર્યરત ઉક્ત વેચાણ કેન્દ્રો પૈકી ૧૦ કેન્દ્રો એવા છે, જ્યાં સતત ખરીદી થતી રહે છે. જેમાં નાંદોદ તાલુકામાં પોઇચા સ્વામિનારાયણ મંદિર, ધારી ખેડા ખાંડસરી, રાજપીપળા શાક બજાર, નેત્રંગ રોડ ઉપર આમલી ગામ, ગરુડેશ્વર તાલુકામાં હોટેલ ગ્રાંડ યુનિટી પાસે, તિલકવાડા ચોકડી, ડેડિયાપાડા તાલુકામાં કેવીકે, દર ગુરુવારે હાટબજાર, કણજી ગામ ઉપરાંત સાગબારા ખાતે એપીએમસી ખાતે વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. અહીં ખેડૂતો તેમની પ્રાકૃતિક કૃષિ પેદાશોને તેના ઉપજ સમયે લઇને આવે છે અને વેંચે છે. ખેડૂતો અને ગ્રાહકોનું સીધું જોડાણ શક્ય બન્યું છે.

અહીં ખેડૂતો મુખ્યત્વે મરીમસાલા, કેળા, પપૈયા, મરચી, શાકભાજી, શ્રીઅન્ન, ડાંગર, ટમેટા, મગફળી, મકાઇ, કઠોળ, ખાંડ શાકભાજી જેવી જણસોનું પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પેદાશ કરે છે અને આ કેન્દ્રો ઉપર વેચાણ કરે છે. એક વર્ષમાં ૬૮૭૦૦ કિલો આવી જણસોનું વેચાણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા કૃષિ વિભાગ દ્વારા સમયાંતરે યોજાયેલા કાર્યક્રમોમાં ખેડૂતો દ્વારા પ્રદર્શન યોજીને રૂ. એક લાખ કરતા વધુથી પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેંચાણ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here