છોટાઉદેપુરજિલ્લામાં યોજાનાર ધો. ૧૦ અને ધો. ૧૨ની પૂરક પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

પરીક્ષા કેન્દ્રોમાં કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકાશે નહી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં તા.૨૪/૦૬/૨૦૨૪ થી તા.૦૬/૦૭/૨૦૨૪ દરમિયાન ધો. ૧૦ અને ધો. ૧૨ની પૂરક પરીક્ષા યોજાનાર હોઈ, પરીક્ષાના કેન્દ્રો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય, પરીક્ષા કેન્દ્રોની આસપાસ વાલીઓ અને લોકોના ટોળાઓ એકઠા ન થાય, કોઇ અનિચ્છનિય બનાવ ન બને, પરીક્ષા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેમજ પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે, કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે, પરીક્ષાનું મુક્ત, ન્યાયી અને સરળ સંચાલન થાય તેમજ પરીક્ષામાં થતી ગેરરીતીઓ અટકાવવા માટે છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી શૈલેશ ગોકલાણીએ તેમને મળેલ સત્તાની રૂએ તા.૨૪/૦૬/૨૦૨૪ થી તા.૦૬/૦૭/૨૦૨૪ સુધી પરીક્ષા કેન્દ્રો/બિલ્ડીંગોની આસપાસ કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ જાહેરનામા મુજબ પરીક્ષા ખંડની અંદર તથા ૧૦૦ મીટરના વિસ્તારમાં જાહેર કે ખાનગી સ્થળે કોઈપણ વ્યક્તિના સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કાર્ડલેસ ફોન વગેરે લઈ જવા પર, ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા પર તથા પરીક્ષાર્થિઓને ખલેલ પડે તે રીતે કોઈ અનઅધિકૃત વ્યક્તિઓ એકત્ર થવા તથા કેન્દ્રોમાં પ્રવેશ કરવા કે વાહન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
વધુમાં કાયદો અને વ્યવસ્થાના ઇન્ચાર્જ અધિકારીઓ અને પરીક્ષા કેન્દ્ર નજીક મુકેલ સલામતી કર્મચારીઓ તેમની વિધિસરની ફરજો બજાવવા દરમિયાન સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કાર્ડલેસ ફોન, મોબાઈલ ફોન તથા વાયરલેસ વગેરે સાધનોનો ઉપયોગ કરી શકશે. તેમજ આ જાહેરનામું કેન્દ્રના સંવાહકશ્રીઓ, સંચાલકો, સ્થળ સંચાલકો,ઝોન પ્રતિનિધિ, ખંડ નિરિક્ષકો, વોટરમેન, બેલમેન તથા ઓળખપત્ર આપવામાં આવેલ હોય તેવા નિરિક્ષણ ટુકડીઓ સહિતના તમામ અધિકૃત કર્મચારીઓને લાગુ પડશે નહિ.
આ જાહેરનામું તા.૨૪/૦૬/૨૦૨૪ થી તા.૦૬/૦૭/૨૦૨૪ સુધી અમલમાં રહેશે તથા તેનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ અનુસાર શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here