TET મુક્તિની માંગ સાથે શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: 17 જૂનથી તમામ જિલ્લાઓમાં વિરોધ કાર્યક્રમો…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શિક્ષક સંગઠનો મેદાને, અનુભવી શિક્ષકોને TETમાંથી કાયમી મુક્તિ આપવાની માંગ

અમદાવાદ: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષક સંગઠનો પણ પોતાની માંગણીઓને લઈને મેદાને ઉતર્યા છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા સામે વિરોધ નોંધાવતા વિવિધ શિક્ષક સંગઠનો દ્વારા 17 જૂનથી 20 જૂન સુધી રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તેમજ અન્ય શિક્ષક સંગઠનોના સંયુક્ત આહ્વાન હેઠળ યોજાનારા આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર કચેરીઓ ખાતે શિક્ષકો ધરણા યોજશે અને પોતાની માંગણીઓ રજૂ કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષક મંડળ સહિતના વિવિધ સંગઠનો પણ આ વિરોધ કાર્યક્રમમાં જોડાશે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અસંતોષ

આ સમગ્ર વિરોધનું મુખ્ય કારણ શિક્ષકોની લાયકાત અને સેવા સંબંધિત મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલો તાજેતરનો ચુકાદો છે. ચુકાદા અનુસાર, જે શિક્ષકોની નોકરીનો સમયગાળો પાંચ વર્ષથી વધુ બાકી છે, તેમણે સેવા ચાલુ રાખવા અને ભવિષ્યમાં બઢતી મેળવવા માટે TET પરીક્ષા પાસ કરવી જરૂરી રહેશે.

ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો આવા શિક્ષકો TET પાસ નહીં કરે તો તેમને સેવા છોડવી પડી શકે છે અથવા ફરજિયાત નિવૃત્તિનો સામનો કરવો પડી શકે છે. જોકે, જેમની નોકરીના પાંચ વર્ષથી ઓછો સમય બાકી છે, તેમને આ નિયમમાંથી રાહત આપવામાં આવી છે.

વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકો માટે વિશેષ માંગ

શિક્ષક સંગઠનોનું કહેવું છે કે વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોની નિમણૂક તે સમયના નિયમો અને પ્રક્રિયા મુજબ કાયદેસર રીતે કરવામાં આવી હતી. તે સમયે TET પરીક્ષાની કોઈ જોગવાઈ અમલમાં નહોતી. તેથી વર્ષોનો અનુભવ ધરાવતા શિક્ષકોને હવે ફરીથી પરીક્ષા આપવા માટે મજબૂર કરવું યોગ્ય નથી.

સંગઠનોનો દાવો છે કે રાજ્યમાં અંદાજે એક લાખ જેટલા શિક્ષકો આ નિર્ણયથી સીધા પ્રભાવિત થઈ શકે છે. તેથી વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા તમામ શિક્ષકોને TET પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી રહી છે.

કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે

આંદોલનના ભાગરૂપે શિક્ષકો જિલ્લા કલેક્ટર કચેરીઓ ખાતે ત્રણ કલાક સુધી ધરણા પર બેસશે અને ત્યારબાદ રાજ્ય સરકાર તથા સંબંધિત સત્તાધિકારીઓને સંબોધીને આવેદનપત્ર સુપરત કરશે. શિક્ષક સંગઠનોનું કહેવું છે કે તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.

રાજ્યભરમાં શરૂ થનારા આ વિરોધ કાર્યક્રમને લઈને શિક્ષણ ક્ષેત્રમાં ચર્ચા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.



આ પણ વાંચો :-