શહેરાની સરકારી વિનયન કોલેજને મળ્યો ‘આદર્શ મહાવિદ્યાલય’નો દરજ્જો, આધુનિકીકરણ માટે રૂ. 2 કરોડની ગ્રાન્ટ મંજૂર…

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

રાજ્યની શ્રેષ્ઠ 25 સરકારી કોલેજોમાં સ્થાન, વિદ્યાર્થીઓને મળશે હાઇટેક અને વૈશ્વિક સ્તરની શૈક્ષણિક સુવિધાઓ

શહેરા: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી કોલેજોના શૈક્ષણિક પ્રદર્શન, સંચાલન અને ગુણવત્તાના ધોરણોને આધારે લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ પંચમહાલ જિલ્લાના શહેરા સ્થિત સરકારી વિનયન કોલેજને ‘આદર્શ મહાવિદ્યાલય’ તરીકે પસંદ કરવામાં આવી છે. રાજ્યની કુલ 139 સરકારી કોલેજોમાંથી માત્ર 25 કોલેજોને આ પ્રતિષ્ઠિત દરજ્જો મળ્યો છે, જેમાં શહેરા કોલેજનો સમાવેશ થતાં સમગ્ર પંચમહાલ જિલ્લામાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ સાથે કોલેજના આધુનિકીકરણ, માળખાકીય વિકાસ અને શૈક્ષણિક સુવિધાઓના વિસ્તરણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 2 કરોડની વિશેષ ગ્રાન્ટ પણ મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટના માધ્યમથી વિદ્યાર્થીઓને આધુનિક અને ટેકનોલોજી આધારિત શિક્ષણ ઉપલબ્ધ કરાવવા વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે.

વિદ્યાર્થીઓને મળશે અદ્યતન સુવિધાઓ

મંજૂર થયેલી ગ્રાન્ટ હેઠળ કોલેજમાં અનેક નવી અને આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. જેમાં ‘જ્ઞાનકુંજ’ પ્રોજેક્ટ અંતર્ગત હાઇટેક ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવશે, જ્યાં વિદ્યાર્થીઓને એડવાન્સ કમ્પ્યુટર્સ, ઈ-બુક્સ, ઓડિયો બુક્સ અને વિવિધ શૈક્ષણિક જર્નલ્સની સુવિધા ઉપલબ્ધ થશે.

આ ઉપરાંત સ્માર્ટ ક્લાસરૂમ્સ, ઓડિયો-વિઝ્યુઅલ ટેક્નોલોજીથી સજ્જ વર્ગખંડો, આધુનિક એ.સી. સેમિનાર હોલ, ઇન્ક્યુબેશન સેન્ટર તેમજ વિવિધ વિભાગોની લેબોરેટરીઓનું અપગ્રેડેશન પણ કરવામાં આવશે.

ડિજિટલ સંચાલનને મળશે વેગ

કોલેજના શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય કાર્યોને વધુ કાર્યક્ષમ બનાવવા માટે આધુનિક ઈન્સ્ટિટ્યુશનલ મેનેજમેન્ટ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે. જેના કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફને વધુ સુગમ અને પારદર્શક સેવાઓ પ્રાપ્ત થશે.

સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

કોલેજને મળેલી આ વિશેષ સિદ્ધિ અંગે કોલેજના આચાર્ય ડૉ. જયશ્રીબેન જોષીએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ સફળતા સંસ્થાના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા તમામ હિતધારકોની મહેનતનું પરિણામ છે. તેમણે આ ઉપલબ્ધિ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ નવી સુવિધાઓનો સીધો લાભ શહેરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હજારો વિદ્યાર્થીઓને મળશે, જેના કારણે ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.



આ પણ વાંચો :-