ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં જાફરાબાદ ખાતે ગોધરા–જાફરાબાદ–આનંદનગરથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જતાં માર્ગ પર બોક્સ કલ્વર્ટ, એપ્રોચ રોડ અને ક્યોરિંગની કામગીરી ચાલી રહી હોવાથી વાહનવ્યવહારને લઈને મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેર જનતાની સુરક્ષા અને અકસ્માતો અટકાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આ માર્ગ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર અસ્થાયી પ્રતિબંધ મૂક્યો છે.
જાહેરનામા અનુસાર તા. 29 જુલાઈ 2026થી 8 ઑગસ્ટ 2026 સુધી આ માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.
પ્રગતિનગર, લકુલીશ સોસાયટી, વૃતાંલય અને આસારામ આશ્રમ વિસ્તારના રહેવાસીઓ માટે કનેલાવ તળાવ–શામળાજી કોલેજ–મુનલાઈટ–દાહોદ સ્ટેટ હાઈવે માર્ગ (આશરે 2 કિ.મી.) ડાયવર્ઝન તરીકે નક્કી કરવામાં આવ્યો છે.
જાફરાબાદ અને આનંદનગર વિસ્તારના રહેવાસીઓ માટે પત્થર તલાવડી–કાંસુડી ફાટક–રવિશંકર સ્કૂલ–કનેલાવ તળાવ–શામળાજી કોલેજ–મુનલાઈટ–દાહોદ સ્ટેટ હાઈવે માર્ગ (આશરે 5.40 કિ.મી.) વૈકલ્પિક રૂટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
જિલ્લા તંત્રે વાહનચાલકોને નિર્ધારિત ડાયવર્ઝનનું પાલન કરવા અપીલ કરી છે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
