ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

ગાંધીનગરના વિશ્વ ઉમિયાધામ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS)નું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, જેમાં દેશના 20થી વધુ રાજ્યોમાંથી આવેલા પત્રકારો, સંગઠનના હોદ્દેદારો તેમજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત મા ઉમિયાની આરતી સાથે કરવામાં આવી હતી.
સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડિયાએ જણાવ્યું કે વર્ષ 2016માં ચોટીલાથી શરૂ થયેલી આ સમિતિ આજે દેશના અનેક રાજ્યોમાં કાર્યરત છે અને પત્રકારોના હિત, અધિકારો તથા સુરક્ષા માટે સતત કાર્ય કરી રહી છે. તેમણે ગુજરાતમાં પણ પત્રકાર સુરક્ષા કાનૂન અમલમાં મૂકવાની માંગ સાથે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું.
મહા અધિવેશનમાં ભાજપના મંત્રી કુંવરજી બાવળિયા, કાન્તિભાઈ અમૃતિયા, આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત વિવિધ રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઈશુદાન ગઢવીએ મેદાનમાં સમાચાર કવરેજ દરમિયાન પત્રકારોને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતાં તેમની સુરક્ષા, વીમા, આરોગ્ય સહાય અને અન્ય કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ મહા અધિવેશનમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પત્રકારોએ હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે ધવલભાઈ માકડિયાએ ઉપસ્થિત મહાનુભાવો અને પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો.
