ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
પંચમહાલ SOGની સફળ કાર્યવાહી, ખેતરમાંથી 16 ગાંજાના છોડ જપ્ત; NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

પંચમહાલ: જિલ્લામાં નશાના ગેરકાયદે કારોબાર સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે જ ક્રમમાં પંચમહાલ-ગોધરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને વધુ એક મોટી સફળતા મળી છે. ઘોઘંબા તાલુકાના ગુણેસિયા ગામમાંથી ગેરકાયદે રીતે કરવામાં આવતી ગાંજાની ખેતીનો પર્દાફાશ કરી પોલીસે લાખો રૂપિયાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, પંચમહાલ-ગોધરા SOG ટીમને ગુણેસિયા ગામ વિસ્તારમાં ગાંજાનું વાવેતર થતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
સર્ચ ઓપરેશન દરમિયાન એક વ્યક્તિના કબજાવાળી જમીનમાંથી ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા 16 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે તમામ છોડ કબજે કરી તપાસ હાથ ધરી હતી. જપ્ત કરાયેલા ગાંજાનું કુલ વજન આશરે 9.050 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલા ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂ. 4.52 લાખ જેટલી થાય છે. આ સમગ્ર જથ્થો કાયદેસરની કાર્યવાહી હેઠળ કબજે લેવામાં આવ્યો છે.
આ કેસમાં પોલીસે ગાંજાની ખેતી કરનાર મુખ્ય આરોપી મંગા નાયકની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. આરોપી વિરુદ્ધ દામાવાવ પોલીસ સ્ટેશન ખાતે NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ હાલ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપી એકલો જ આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો કે તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત હતું. પંચમહાલ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર અને ખેતી સામે પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
