ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શિક્ષણમંત્રીને યુવા ગઝલકાર કૌશિક પટેલ ‘પ્રવાસી’ના ગઝલસંગ્રહો અર્પણ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે પંચમહાલ જિલ્લાના યુવા ગઝલકાર કૌશિક પટેલ ‘પ્રવાસી’એ પૂજ્ય શંભુનાથજી મહારાજના પાવન સાનિધ્યમાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને પોતાના બે ગઝલસંગ્રહો ‘ખુશી’ અને ‘ફૂલોની પાસે છું’ ભેટ સ્વરૂપે અર્પણ કર્યા હતા.

કૌશિક પટેલ ‘પ્રવાસી’નો ગઝલસંગ્રહ ‘ખુશી’ ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીની સહાયથી પ્રકાશિત થયો છે, જ્યારે ‘ફૂલોની પાસે છું’ તેમનો સ્વપ્રકાશિત ગઝલસંગ્રહ છે. બંને કૃતિઓને ગુજરાતી સાહિત્યજગતમાં વાચકો અને વિવેચકો તરફથી નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે.

તેમની અંદાજે 45થી વધુ ગઝલો વિવિધ સંગીતકારો દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવી છે. ઉપરાંત તેમની રચનાઓ આકાશવાણી અમદાવાદ અને વડોદરા કેન્દ્રો પરથી પણ પ્રસારિત થઈ ચૂકી છે, જેના કારણે તેમની ગઝલો વધુ વ્યાપક વાચક અને શ્રોતા વર્ગ સુધી પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વડોદરાની જયંતોર્મિ સંસ્થા દ્વારા આયોજિત સમારોહમાં પૂજ્ય 108 દ્વારકેશલાલજી મહારાજ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભગ્યેશ ઝાના હસ્તે કૌશિક પટેલ ‘પ્રવાસી’ને તેમના સાહિત્યિક યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

વ્યવસાયે પ્રાથમિક શિક્ષક એવા કૌશિક પટેલ ‘પ્રવાસી’ શિક્ષણકાર્યની સાથે ગુજરાતી ગઝલસર્જનમાં સતત સક્રિય છે. કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો, આગેવાનો અને સાહિત્યપ્રેમીઓએ તેમના સર્જનકાર્યને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.



આ પણ વાંચો :-