ગોધરા : નાજિયા ઈલાહીના વિવાદાસ્પદ નિવેદનો સામે મુસ્લિમ સમાજની એસપીશ્રીને આવેદનપત્ર સાથે રજૂઆત…

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

ગોધરા ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો, ઉલેમા-એ-કિરામ તથા વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓએ નાજિયા ઈલાહીના કથિત વિવાદાસ્પદ નિવેદનોના વિરોધમાં જિલ્લા પોલીસ અધિક્ષક (એસપીશ્રી)ને આવેદનપત્ર પાઠવી કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આવેદનપત્રમાં જણાવાયું હતું કે નાજિયા ઈલાહીએ છેલ્લા કેટલાક સમયથી મુસ્લિમ સમાજને નિશાન બનાવી વારંવાર વાંધાજનક તથા ઉશ્કેરણીજનક નિવેદનો કર્યા હોવાનું સમાજનું માનવું છે. રજૂઆત મુજબ અગાઉ તેમણે મસ્જિદો, મદરસાઓ તેમજ મુસ્લિમ સમાજ અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. ત્યારબાદ મુસ્લિમ સમાજના સામાજિક બહિષ્કાર અંગે પણ નિવેદનો આપ્યા હોવાનું આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં પયગંબર હઝરત મુહમ્મદ ﷺ અંગે કરાયેલી કથિત અપમાનજનક ટિપ્પણીઓથી દેશભરના મુસ્લિમોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આવા કૃત્યો સામે ભારતીય કાયદાની વિવિધ જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહી થઈ શકે છે. સાથે જ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાઓનો ઉલ્લેખ કરીને તેમણે સત્તાવાળાઓને કાયદા મુજબ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી હતી.

આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો, ઉલેમા-એ-કિરામ તથા મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના અનેક અગ્રણીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કરી કાયદા મુજબ નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરવાની માંગ પુનરોચ્ચાર કરી હતી.



આ પણ વાંચો :-