લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-
કોઠંબા 108 એમ્બ્યુલન્સની ત્વરિત સેવા, ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપી દર્દીને હોસ્પિટલ ખસેડાયો

તા. 30/06/2026: મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના થાણાસાવલી ગામના ટોકીયા ફળિયા પાસે આવેલા તળાવમાં મંગળવારે બપોરે મગરના હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. 108 ઇમરજન્સી સેવાની સમયસર કામગીરી અને તાત્કાલિક સારવારના કારણે દર્દીનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.
મળતી માહિતી મુજબ, તા. 30 જૂન, 2026ના રોજ બપોરે અંદાજે 3:00 વાગ્યાની આસપાસ તળાવમાં મગરે એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. હુમલામાં દર્દીના જમણા પગમાં ગંભીર ઈજા પહોંચી હતી અને ભારે રક્તસ્ત્રાવ શરૂ થયો હતો.
ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તરત જ 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. બપોરે 15:35 કલાકે કોલ મળતાં જ કોઠંબા લોકેશનની 108 એમ્બ્યુલન્સ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ઘટનાસ્થળે ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) યોગેશ પગી અને પાયલોટ જયેન્દ્રસિંહ સોલંકીએ દર્દીની તાત્કાલિક તપાસ કરી હતી. તપાસ દરમિયાન દર્દીના જમણા પગમાં મગરના હુમલાથી ઊંડા ઘા તથા ભારે રક્તસ્ત્રાવ હોવાનું જણાયું હતું. EMT દ્વારા તાત્કાલિક ઘા પર દબાણ આપી રક્તસ્ત્રાવ નિયંત્રણમાં લેવામાં આવ્યો અને દર્દીના તમામ વાઇટલ્સ ચેક કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ EMT યોગેશ પગીએ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પર ફરજ બજાવતા ERCP ફિઝિશિયન ડૉ. રીચી મેડમની ઓન-કોલ સલાહ મેળવી હતી. EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા આપવામાં આવેલી તાલીમ મુજબ દર્દીને ઘટનાસ્થળે જ જરૂરી ઇન્જેક્શન તથા IV ફ્લુઈડ આપી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
પ્રાથમિક સારવાર પૂર્ણ કર્યા બાદ દર્દીને વધુ સારવાર માટે તાત્કાલિક કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
108 ઇમરજન્સી સેવાની સમયસૂચકતા, ઝડપી પ્રતિસાદ અને કુશળ કામગીરીના કારણે એક અમૂલ્ય જીવ બચાવી શકાયો હતો. દર્દીના પરિવારજનોએ EMT યોગેશ પગી, પાયલોટ જયેન્દ્રસિંહ સોલંકી તેમજ 108 ઇમરજન્સી સેવાની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત સરકારના *”આરોગ્ય સેવા પરમો ધર્મ”*ના અભિગમને સાર્થક કરતી કોઠંબા 108 એમ્બ્યુલન્સની આ કામગીરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ બની છે.
