મહીસાગરમાં અભયમ 181 મહિલા હેલ્પલાઇનની સંવેદનશીલ કામગીરી: માનસિક તકલીફ ધરાવતી મહિલાનું દાંપત્ય જીવન ફરી સુમેળભર્યું બન્યું…

લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

જાગૃત નાગરિકની જાણ બાદ ટીમ તાત્કાલિક પહોંચી, સમજાવટ બાદ મહિલાને સુરક્ષિત રીતે પતિને સોંપવામાં આવી

મહીસાગર: મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને એક મહિલાને મદદની જરૂર હોવાનું જણાવ્યું હતું. જાણ મળતાં જ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક દર્શાવેલા સ્થળે પહોંચી મહિલાને હૂંફ અને શાંતિ આપીને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી.

મહિલા અંગે જાણ કરનાર જાગૃત નાગરિકે ટીમને જણાવ્યું હતું કે મહિલા માનસિક તકલીફને કારણે દવા લેવા માટે લુણાવાડા આવી હતી. મહિલાનું કહેવું હતું કે ઘરે જતાં તેના પતિ દ્વારા તેની સાથે મારપીટ કરવામાં આવે છે, જમવાનું આપવામાં આવતું નથી અને ઘરેથી કાઢી મૂકવામાં આવે છે.

અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે મહિલા સાથે વિગતવાર વાતચીત કરી હતી. મહિલા પાસેથી નામ અને સરનામાની માહિતી મેળવી ટીમે સંબંધિત ગામના સરપંચનો ટેલિફોનિક સંપર્ક કરીને સરનામાની ખાતરી કરી હતી. સરપંચે મહિલા તે ગામની જ રહેવાસી હોવાનું જણાવ્યું હતું.

મહિલા ઘરે જવા તૈયાર નહોતી અને સતત પતિ દ્વારા મારપીટ તેમજ યોગ્ય રીતે ભોજન ન આપવાના આક્ષેપ કરતી હતી. ટીમે મહિલાને વિશ્વાસમાં લઈ સમજાવ્યું કે સમગ્ર મામલે તેના પતિ સાથે વાતચીત કરીને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી સમજાવટ કરવામાં આવશે.

ત્યારબાદ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ મહિલાને સાથે લઈને સંતરામપુર ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તેના ગામે પહોંચી હતી. ત્યાં મહિલાના પતિ સાથે વિગતવાર ચર્ચા કરીને દાંપત્ય જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ અંગે સમજાવટ કરવામાં આવી હતી. બંને પક્ષોને પરસ્પર સમજણ સાથે રહેવા અને ભવિષ્યમાં કોઈ પ્રકારનો વિવાદ ન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમજાવટ બાદ મહિલાને સુરક્ષિત રીતે તેના પતિને સોંપવામાં આવી હતી. સમગ્ર મામલે પતિ-પત્નીએ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.



આ પણ વાંચો :-