ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગરુડેશ્વર: ગરુડેશ્વર તાલુકાના અનેક ગામોમાં છેલ્લા કેટલાક સમયથી બસ સેવા બંધ હોવાથી સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ, નોકરીયાતો તેમજ વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જાહેર પરિવહનની સુવિધા ન મળતા રોજિંદા અવરજવર માટે લોકોને ખાનગી વાહનો અથવા મોંઘા ભાડે વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે.
ખાસ કરીને વિદ્યાર્થીઓને શાળા-કોલેજ પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે નોકરીયાત વર્ગ અને નાના વેપારીઓના દૈનિક કાર્યો પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોના વૃદ્ધો અને દર્દીઓને સારવાર માટે તાલુકા અને જિલ્લા મથક સુધી પહોંચવામાં પણ ભારે તકલીફ પડી રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું છે કે બસ સેવા બંધ રહેવાના કારણે સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે. અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.
ગ્રામજનોએ રાજ્ય સરકાર તેમજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) સમક્ષ માંગ કરી છે કે ગરુડેશ્વર તાલુકાના ગામોમાં વહેલી તકે નિયમિત બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવે, જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ફરીથી સરળ અને સસ્તી પરિવહન સુવિધાનો લાભ મળી શકે.
