મેદાનમાં વિવાદ ભારે પડ્યો, ICCએ યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકન ખેલાડીને ફટકાર્યો દંડ

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે મેદાન પર મોટો વિવાદ સર્જાયો હતો. ભારતીય બેટર યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકાના ઝડપી બોલર અસિથા ફર્નાન્ડો વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે શારીરિક સંપર્ક થયો હતો. આ ઘટના ભારતીય ઇનિંગ્સની 17મી ઓવરમાં જયસ્વાલ આઉટ થયા બાદ બની હતી.

17મી ઓવરમાં બંને ખેલાડીઓ સામસામે આવ્યા

અસિથા ફર્નાન્ડોએ 17મી ઓવરમાં યશસ્વી જયસ્વાલને આઉટ કર્યા બાદ પેવેલિયન તરફ પરત ફરી રહેલા જયસ્વાલે ફર્નાન્ડો તરફ જઈને કંઈક કહ્યું હતું. તેના જવાબમાં ફર્નાન્ડોએ આક્રમક રીતે પોતાનું માથું જયસ્વાલ તરફ આગળ કર્યું હતું. સામે જયસ્વાલે પણ પાછળ હટ્યા વિના માથું આગળ કર્યું હતું. આ દરમિયાન બંનેના માથા એકબીજા સાથે અથડાયા હતા.

આ પ્રકારનો શારીરિક સંપર્ક ક્રિકેટના આચારસંહિતા નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે.

ICCએ બંને ખેલાડીઓ સામે કાર્યવાહી કરી

આ ઘટનાને ગંભીરતાથી લેતાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બંને ખેલાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ICCએ બંનેને આચારસંહિતાના અનુચ્છેદ 2.12ના ભંગ બદલ દોષી ઠેરવ્યા છે. આ અનુચ્છેદ મેચ દરમિયાન અન્ય ખેલાડી, અમ્પાયર અથવા મેચ રેફરી સાથે અયોગ્ય શારીરિક સંપર્ક સાથે સંબંધિત છે.

આચારસંહિતાના ભંગ બદલ યશસ્વી જયસ્વાલ અને અસિથા ફર્નાન્ડો બંને પર મેચ ફીના 25 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

બંને ખેલાડીઓને એક-એક ડિમેરિટ પોઇન્ટ

દંડ ઉપરાંત બંને ખેલાડીઓના ખાતામાં એક-એક ડિમેરિટ પોઇન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. છેલ્લા 24 મહિનામાં બંને ખેલાડીઓનો આ પ્રકારનો પ્રથમ ગુનો હોવાનું જણાવાયું છે.

મેચ પૂર્ણ થયા બાદ જયસ્વાલ અને અસિથા ફર્નાન્ડોએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. બંનેએ એમિરેટ્સ ICC એલીટ પેનલના મેચ રેફરી એન્ડી પાઇક્રોફ્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજાને પણ સ્વીકારી લીધી હતી.

બંને ખેલાડીઓએ ભૂલ સ્વીકારી લેતા આ મામલે કોઈ ઔપચારિક સુનાવણી કરવાની જરૂર પડી નહોતી.



આ પણ વાંચો :-