ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
1 ઓગસ્ટથી નવો દર અમલમાં; પંચમહાલ, મહીસાગર અને દાહોદના અઢી લાખથી વધુ પશુપાલકોને મળશે સીધો લાભ

પંચમહાલ: પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના અઢી લાખથી વધુ પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પંચામૃત ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.10નો વધારો કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. નવા નિર્ણય મુજબ હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.885નો ભાવ મળશે. આ નવો દર તા. 1 ઓગસ્ટ, 2026થી અમલમાં આવ્યો છે.
ચોમાસાની ઋતુ દરમિયાન પશુઓના ઘાસચારા, દાણ અને અન્ય જાળવણી ખર્ચમાં નોંધપાત્ર વધારો થતો હોવાથી પશુપાલકોને આર્થિક રાહત મળે તે હેતુથી પંચામૃત ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
અગાઉ પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.875 ચૂકવવામાં આવતા હતા, જેમાં હવે રૂ.10નો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ત્રણેય જિલ્લાઓના હજારો દૂધ ઉત્પાદકોને સીધો આર્થિક લાભ મળશે અને ચોમાસાના વધેલા ખર્ચ સામે રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષ દરમિયાન પંચામૃત ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં કરવામાં આવેલો આ ત્રીજો વધારો છે. સતત ભાવવધારાના નિર્ણયને કારણે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
