ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં ગોધરામાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, દારૂબંધીના કડક અમલની માંગ…

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

ગોધરા, પંચમહાલ: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ અને ભાવનગર લઠ્ઠાકાંડની ન્યાયિક તપાસની માંગ સાથે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોધરા ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટીના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.

કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છેલ્લા અનેક વર્ષોથી ઝેરી દારૂ અને ડ્રગ્સના સેવનને કારણે અનેક લોકોના મોત થયા છે. આ પ્રકારના દુષણને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી હોવાની સાથે અનેક પરિવારો પર પણ ગંભીર અસર પડી રહી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.

કોંગ્રેસના જણાવ્યા મુજબ, સમાજને દારૂ અને ડ્રગ્સના દુષણથી બચાવવા માટે રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરવો જરૂરી છે. રાજ્યમાં જે રીતે દારૂ અને ડ્રગ્સનું વેચાણ તથા વપરાશ થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય હોવાનું પણ જણાવાયું હતું.

ભાવનગર લઠ્ઠાકાંડમાં 13 લોકોના મોતને લઈને રોષ

ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડમાં 13 લોકોના મોત થયા હોવાનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ દ્વારા આ ઘટનામાં સંડોવાયેલા તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ સમગ્ર મામલાની ન્યાયિક તપાસ કરાવવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી.

વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બંધારણના ઘડવૈયા શ્રી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રી સમક્ષ રજૂઆત કરવા માટે માંગણીઓ કરવામાં આવી હતી.

કોંગ્રેસ દ્વારા રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થાય, બુટલેગરો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ભાવનગર લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા ઇસમો સામે સખત પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.



આ પણ વાંચો :-