આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે મોટી રાહત: 1 સપ્ટેમ્બરથી બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સ્ટેમ્પિંગ બંધ થશે…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ભારતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પરથી વિદેશ પ્રવાસ કરતા મુસાફરો માટે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર 2026થી દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર ઇમિગ્રેશન દરમિયાન બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સ્ટેમ્પિંગ કરવાની પ્રક્રિયા બંધ કરવામાં આવશે. હવે મુસાફરો પોતાના સ્માર્ટફોન પર ડિજિટલ ઈ-બોર્ડિંગ પાસ દર્શાવીને ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકશે.

સ્ટેમ્પિંગ પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય કેમ લેવાયો?

બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રક્રિયાને કારણે ઇમિગ્રેશન કાઉન્ટર પર સમય લાગતો હતો અને મુસાફરોને લાંબી કતારોનો સામનો કરવો પડતો હતો. આ અંગે ઇમિગ્રેશન બ્યુરોને મુસાફરો તરફથી સતત ફરિયાદો પણ મળી રહી હતી.

આ ઉપરાંત, ઘણી વખત સ્ટેમ્પ યોગ્ય રીતે ન લાગવાને અથવા ખોટી જગ્યાએ લાગવાને કારણે આગળ બોર્ડિંગ ગેટ પર સુરક્ષા તપાસ દરમિયાન તેને વાંચવામાં મુશ્કેલી ઊભી થતી હતી.

1 સપ્ટેમ્બર 2026થી લાગુ થનારા મુખ્ય ફેરફારો

  • અમલીકરણ તારીખ: 1 સપ્ટેમ્બર 2026થી
  • લાગુ ક્ષેત્ર: દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ
  • ડિજિટલ બોર્ડિંગ પાસ: સ્માર્ટફોનમાં ઈ-બોર્ડિંગ પાસ બતાવી શકાશે
  • પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ: મુસાફરો પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ રાખી શકશે, પરંતુ તેના પર ઇમિગ્રેશન અધિકારી દ્વારા કોઈ ફિઝિકલ સ્ટેમ્પ લગાવવામાં આવશે નહીં.

પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ ધરાવતા મુસાફરો માટે પણ સુવિધા

જે મુસાફરો હજુ પણ પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ સાથે મુસાફરી કરવા ઈચ્છે છે તેઓ તેમ કરી શકશે. જોકે, નવા નિયમ મુજબ ઇમિગ્રેશન અધિકારીઓ હવે પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ પર કોઈ સ્ટેમ્પ લગાવશે નહીં.

પાસપોર્ટ પર સ્ટેમ્પિંગ પણ બંધ કરવાની યોજના

હવાઈ મુસાફરીને વધુ પેપરલેસ અને ડિજિટલ બનાવવાની દિશામાં આ નિર્ણયને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

ભારતીય પાસપોર્ટ ધરાવતા મુસાફરો જ્યારે દેશમાંથી બહાર જાય અથવા પરત ભારત આવે ત્યારે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રક્રિયા પણ ભવિષ્યમાં નાબૂદ કરવાની યોજના છે. આ માટે કેટલાક એરપોર્ટ્સ પર હાલમાં પાયલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.

પાયલટ પ્રોજેક્ટનું પરીક્ષણ પૂર્ણ થયા બાદ પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ વગરની ઈ-ગેટ સિસ્ટમ દેશભરના એરપોર્ટ્સ પર લાગુ કરવાની યોજના છે.



આ પણ વાંચો :-