ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
2.30 લાખથી વધુ અરજીઓ વડાપ્રધાનને સોંપવા માર્ચનું આયોજન; AAPના નેતાઓ ફિરોઝશાહ રોડ પર ધરણાં પર બેઠા

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે E20 ફ્યુલના વિરોધમાં વડાપ્રધાનના નિવાસસ્થાન તરફ માર્ચ કાઢી હતી. દેશભરમાંથી એકત્ર કરાયેલી અરજીઓ વડાપ્રધાનને સોંપવાના હેતુથી યોજાયેલી આ માર્ચને દિલ્હી પોલીસે ફિરોઝશાહ રોડ પર જ રોકી દીધી હતી.
પોલીસ દ્વારા અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, જૈસ્મિન શાહ સહિત પાર્ટીના અનેક નેતાઓને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી નહોતી. જેના પગલે AAPના નેતાઓ અને કાર્યકર્તાઓ ફિરોઝશાહ રોડ પર જ ધરણાં પર બેસી ગયા હતા.
પાર્ટીના જણાવ્યા મુજબ આ વિરોધ પ્રદર્શનમાં આશરે 100 જેટલા નેતાઓ જોડાયા હતા. E20 ફ્યુલના વિરોધમાં દેશભરમાંથી 2.30 લાખથી વધુ નાગરિકોની અરજીઓ અને સહીઓ એકત્ર કરવામાં આવી છે, જેને વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
માર્ચ દરમિયાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે 2 લાખથી વધુ લોકોએ વડાપ્રધાનને પત્ર લખ્યા છે અને તેઓ આ તમામ અરજીઓ વ્યક્તિગત રીતે સોંપવા માંગે છે. તેમણે વડાપ્રધાનને સંદેશ પણ મોકલ્યો હોવાનું જણાવતાં મુલાકાતની આશા વ્યક્ત કરી હતી.
વિરોધ પ્રદર્શનને પગલે ફિરોઝશાહ રોડ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. E20 ફ્યુલના મુદ્દે શરૂ થયેલા આ વિરોધને કારણે વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
