કાલોલ તાલુકામાં એક આરોગ્ય કર્મી સાથે તાલુકામાં વધુ ૩ વ્યક્તિઓ કોરોના પ્રભાવિત બન્યા

કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

કાલોલ શહેર અને તાલુકામાં પાછલા ચાર પાંચ દિવસથી દૈનિક બે ત્રણ કેસોને ધોરણે કોરોનાની રફતાર મંદ પડી હતી. પરંતુ તાજેતરમાં કોરોનાએ પલટવાર કરતા પાછલા ચોવીસ કલાકમાં નવા ત્રણ કોરોના કેસો ઉજાગર થયા હતા. જે અંતર્ગત કાલોલ આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવારે તાલુકાના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, બે સીએચસી કેન્દ્રો અને એક ધન્વન્તરિ રથ દ્વારા કુલ ૧૨૩ વ્યક્તિઓના એન્ટીજન ટેસ્ટ લેવામાં આવ્યા હતા, જે પૈકી ત્રણ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ ત્રણ કેસોની વિગતો મુજબ કાલોલ તાલુકાના રાબોડ ગામના સુથાર ફળિયાની એક મહિલા પ્રભાવિત બનતા રાબોડ ગામમાં પહેલો કેસ પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે ડેરોલસ્ટેશન પાસેના ગોકળપુરા ગામમાં પણ એક મહિલા કોરોના પ્રભાવિત બન્યા હતા, બીજી તરફ વડોદરા ખાતે રહેતા અને તાલુકાના કાનોડ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા હતા એક પુરુષ આરોગ્ય કર્મી પણ કોરોના પોઝીટીવ બનતા ગુરુવારે દિવસ દરમિયાન ત્રણ કોરોના કેસો ઉજાગર થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે કાલોલ શહેરમાં રાણાવાસ ફળિયાના મણીબેન રમણભાઈ(ઉ.વ ૬૫) રાધાકૃષ્ણ સોસાયટીના રહીશ દિલિપકુમાર મોહનભાઇ પારેખ(ઉ.વ, ૬૫)અને તળાવ ફળિયામાં રહેતા અને પાલિકા ભવન સામે ખારીસિંગ ચણાની લારી ચલાવતો ભરતભાઈ કોયાજી મારવાડી(ઉ.વ, ૨૧) યુવક પોઝીટીવ બન્યો હતો. અત્રે નોંધનીય છે કે બુધવારે એક ખારીસિંગ-ચણાનો વેપારી કોરોના પોઝીટીવ બન્યો હોવાના સ્થળદોષને પગલે ખારીસિંગ ચણાના અન્ય વેપારીઓ વિશે ગેરસમજો ફેલાઈ હતી. જે અંગે હકીકતે ભરતભાઈ કોયાજી મારવાડી નામે પાલિકા સામે ખારીસિંગ-ચણાનો વેપારી પોઝીટીવ આવ્યો હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. આમ કાલોલ તાલુકામાં કોરોના કેસો વધીને કુલ ૧૬૯ પૈકી હાલમાં ૬૦ કેસો સારવાર હેઠળ એક્ટીવ હોવાની તંત્રએ પુષ્ટિ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here