સી.એમ.ડેશબોર્ડ પર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે નર્મદા જિલ્લો ઝળક્યો…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

અંતરિયાળ વિસ્તારમાં કનેક્ટિવિટીની સમસ્યાઓ વચ્ચે પણ જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ નર્મદા જિલ્લાની યશકલગીમાં વધુ એક સિદ્ધિ ઉમેરી

માત્ર ત્રણ માસના કાર્યભારમાં જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લામાં કરેલી શ્રેષ્ઠ કામગીરી થકી મેળવી આગવી ઉપલબ્ધિ

નર્મદા મૈયાના અહર્નિશ આશિષ પામેલા નર્મદા જીલ્લાએ સરકારની યોજના હેઠળ સુખસુવિધાસભર બનાવવાની શ્રેષ્ઠ કામગીરી માટે આગવી સિદ્ધિ મેળવી છે. આ જિલ્લામાં માળખાકીય સુવિધાઓ અને સગવડો ઓછી છે, પરંતુ જિલ્લા કલેકટર ડી.એ.શાહના ઉત્સાહવર્ધક અને પ્રોત્સાહક નેતૃત્વ હેઠળ ટીમ નર્મદા સતત કાર્યશીલ છે. ત્યારે નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ( IAS) દ્વારા જિલ્લાનો કાર્યભાર સંભાળ્યાના માત્ર ત્રણ માસ જેટલા ટૂંકા ગાળામાં જ તેઓની પ્રસંશનીય કામગીરી તેમજ કુનેહની પ્રતીતિ સી.એમ.ડેશબોર્ડ પર થઈ છે.

રાજ્ય સરકાર સી.એમ.ડેશબોર્ડ દ્વારા તમામ જિલ્લાઓની જિલ્લા પંચાયત હસ્તકની વિવિધ શાખાઓની યોજનાકીય પ્રગતિનું રોજે રોજનું માપન થતું હોય છે. જેમાં પંચાયત વિભાગ અને ગ્રામવિકાસ અંતર્ગત તમામ યોજનાઓ, મનરેગા, આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, પશુપાલન, બાગાયત, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વગેરે શાખાના અધિકારીશ્રીઓ સાથે પરામર્શમાં રહી જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ જરૂરી માર્ગદર્શન તથા પ્રેરણા પૂરી પાડી જેથી સતત સી.એમ.ડેશબોર્ડ પર તે અંગેની ક્રમિક પ્રગતિ જોવા મળેલ હતી. સી.એમ.ડેશબોર્ડ પર શાખાના અધિકારીઓ દ્વારા નિયમિત યોજનાકીય કામગીરીની પ્રગતિની એન્ટ્રી કરવામાં આવી રહી છે.

આમ, જિલ્લા વિકાસ અધિકારી ના સતત અને સધન પ્રયાસો તેમજ તેઓની વહીવટી કુનેહના કારણે આજે નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શક્યો છે. એ સમગ્ર જિલ્લા માટે ગૌરવવંતી બાબત છે. સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો ભૌગોલિક અને આર્થિક રીતે પછાત ગણાતો જિલ્લો હોવા છતાં તેમજ “ઓનલાઇન” થતી પ્રક્રિયાઓમાં પણ અંતરિયાળ અને જંગલ વિસ્તારમાં કનેક્ટિવિટીની સમસ્યાઓ વચ્ચે પણ સફળ કામગીરીની સફળતાનો સંપૂર્ણ શ્રેય નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના શિરે જાય છે. તેઓની સફળતાથી જિલ્લાની યશ કલગીમા વધારો થયો છે.

સી. એમ ડેશબોર્ડમા નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત અન્ય પદાધિકારીશ્રીઓ, જિલ્લાના અધિકારીશ્રીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here