શહેરા તાલુકાના સદનપુર ગામે ત્રણ સંતાનોની માતાએ પતિના ત્રાસથી કંટાળી આખરે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મંગલીયાણા ગામના ભારતસિંહ કાળુભાઈ પગીની હંસાબેન નામની પુત્રીના લગ્ન આજથી અઢારેક વર્ષ અગાઉ સદનપુર ગામે રહેતા પ્રવિણસિંહ પ્રતાપસિંહ પગી સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા,અને લગ્ન જીવન દરમિયાન આ બંને પતિ-પત્નીને સંતાનમાં બે પુત્ર તેમજ એક પુત્રી છે જેમાં સૌથી મોટો પ્રફુલ ઉં.વર્ષ ૧૭ અને પ્રગતિ ઉં.વર્ષ ૧૫ તેમજ સૌથી નાનો પાર્થ ઉં.વર્ષ ૧૪ છે. હંસાબેન તેમજ પ્રવિણનો શરૂઆતમાં ઘર-સંસાર સારી રીતે ચાલતો હતો પરંતુ છેલ્લા પંદરેક વર્ષથી હંસાબેનનો પતિ પ્રવિણ રસોઈ બનાવતા આવડતું નથી તેવા મેણા-ટોણા મારી ઘર કામકાજ બાબતે અવાર નવાર હંસાબેન સાથે ઝઘડો તકરાર કરી મારઝૂડ કરતો હોવાથી હંસાબેન પોતાના પિયરમાં રિસાઈને જતા રહેતા હતા, પરંતુ આ બંને પતિ-પત્નીનો ઘર સંસાર ન બગડે તે માટે પિયરીયાઓ દ્વારા વર્ષ ૨૦૦૭, ૨૦૧૦ તેમજ વર્ષ ૨૦૧૯ માં સમાજ રાહે પંચના માણસો ભેગા કરી હંસાબેનને સમજાવી સાસરીમાં મોકલી આપ્યા હતા, તેમ છતાં પણ પતિ પ્રવિણ પત્ની હંસાને અવાર-નવાર મેણા ટોણા મારી ઝઘડો તકરાર કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હોવાથી આખરે પતિ દ્વારા અવાર-નવાર આપવામાં આવતા ત્રાસથી કંટાળીને આખરે હંસાબેને પોતાની સાસરીમાં જ મોભના લાકડાં ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ પોતાના જીવનનો અંત લાવ્યો હતો,આ બાબતની જાણ હંસાબેનના પિયરીયાઓને થતાં પિયરીયા પક્ષે બનાવ સ્થળે પહોંચી શહેરા પોલીસને જાણ કરતા શહેરા પોલીસે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હંસાબેનના મૃતદેહને શહેરા ખાતે પી.એમ. માટે મોકલી આપ્યો હતો, સમગ્ર બાબતે હંસાબેનના ભાઈ ભુપેન્દ્રસિંહ પગી દ્વારા હંસાબેનના પતિ પ્રવિણ સામે શહેરા પોલીસ મથકે મરવા માટેની દુષ્પ્રેરણા આપવા બાબતની ફરિયાદ નોંધાવતા શહેરા પોલીસે પ્રવિણ પ્રતાપભાઈ પગી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here