વિદેશી કલાકારોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર નજીક વિશ્વ વનમાં “ક્યા આપ મેરે રામ બનોગે !” થીમ પર રામાયણ પ્રસ્તુત કર્યુ

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

ભારત સરકારના વિદેશ મંત્રાલયના ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) વિભાગ દ્વારા ભારતમાં યોજાઈ રહ્યો છે રામાયણ ઉત્સવ

છઠ્ઠા આંતરરાષ્ટ્રીય રામાયણ મહોત્સવના વિસ્તરણના ભાગરૂપે ત્રિનિદાદ અને ટોબેગો, ફિજી, મલેશિયા, શ્રીલંકા અને થાઈલેન્ડના વિવિધ સાંસ્કૃતિક મંડળો રામાયણ ભજવવા ગુજરાત પહોંચ્યા

ભારત સરકારના વિદેશ મંત્રાલયના ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) વિભાગ દ્વારા ભારતમાં રામાયણ ઉત્સવનું ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની છઠ્ઠી આવૃત્તિનું હાલમાં દેશભરમાં વિવિધ વિસ્તારોમાં વિદેશી કલાકારો દ્વારા પ્રસ્તૃતિકરણ થઇ રહ્યું છે. આ ઉત્સવમાં શ્રીલંકા, ત્રિનિદાદ, ટોબેગો, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, ફિજી અને મલેશિયાના વિવિધ સાંસ્કૃતિક મંડળો સહભાગી બની રહ્યા છે. ગુજરાતમાં આઇ.સી.સી.આર. ના ક્ષેત્રીય નિર્દેશક ડો. જીગર ઇનામદારની રાહબરીમાં આ સાંસ્કૃતિક મંડળો વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં આવી પહોંચતા નર્મદા જિલ્લામાં પણ રામાયણ ઉત્સવ યોજાયો હતો.

વિવિધ દેશોના આ સાંસ્કૃતિક મંડળોએ દિલ્હી અને અયોધ્યામાં અગાઉ દિવાળી પર્વે રામાયણના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. છઠ્ઠા આંતરરાષ્ટ્રીય રામાયણ મહોત્સવના વિસ્તરણના ભાગરૂપે ત્રિનિદાદ અને ટોબેગો, ફિજી, મલેશિયા, શ્રીલંકા અને થાઈલેન્ડના વિવિધ સાંસ્કૃતિક મંડળોએ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર નજીક આવેલા વિશ્વ વનમાં સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે બે દિવસ સુધી રામાયણ પ્રસ્તુત કર્યું હતું.

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા, ICCR અને ગુજરાત સરકારના રમતગમત-યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રથમ દિવસે તા.૨૬ મી ઓકટોબર, બુધવારના રોજ શ્રીલંકા અને થાઈલેન્ડના કલાકારોએ રામાયણ કથાની પ્રસ્તુતિ કરી હતી. જ્યારે બીજા દિવસે ગુરૂવારે ફિજી અને મલેશિયાના કલાકારોએ “ક્યા આપ મેરે રામ બનોગે !” થીમ આધારિત રામાયણની કલાત્મક પ્રસ્તુતિ કરી હતી. આ પ્રસંગે અધિક કલેક્ટર હિમાંશુ પરીખ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા પ્રવાસીઓ સહિતનાઓએ રામાયણ પ્રસ્તુતિનો લ્હાવો લઇ ભક્તિમય માહોલ સાથે આનંદની અનુભુતિ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here