વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પી.એમ.કેર ઓક્સિજન પ્લાન્ટનું રાષ્ટ્રવ્યાપી ઈ-લોકાર્પણ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગોધરા સિવિલ હોસ્પીટલ ખાતે PSA પ્લાન્ટનાં લોકાર્પણમાં વિધાનસભા ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ આહિર સહભાગી થયા

80 લાખના ખર્ચે 1000 લિટર પ્રતિ મિનીટની ક્ષમતાનો પ્લાન્ટ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આજે દેશના વિવિધ રાજ્યોમાં પી.એમ.કેર અંતર્ગત વિવિધ સ્થળોએ પી.એસ.એ. પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે હેઠળ પંચમહાલ જિલ્લામાં પણ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે એક પી.એસ.એ. પ્લાન્ટનું ઈ-લોકાર્પણ યોજાયું હતું. આ પ્રસંગે ગોધરાના સરદારનગર ખંડ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. પ્રાસંગિક પ્રવચન કરતા ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈએ જણાવ્યું હતું કે આપણાં લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો તેને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના અસરકારક નેતૃત્વ અને માર્ગદર્શન તેમજ ર્ડાક્ટરો અને કોરોના વોરીયર્સની અથાક મહેનતથી લાખો લોકોની જિંદગી બચાવીને કોરોના કટોકટીમાંથી આપણે બહાર આવ્યા છીએ. સંક્રમણની બીજી લહેરમાં ઉભી થયેલ ઓક્સિજનની માંગને ધ્યાનમાં રાખીને આગોતરા આયોજનના ભાગરૂપે દેશભરમાં પી.એસ.એ. પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે તેમ જણાવી વિધાનસભા ઉપાધ્યક્ષશ્રીએ પંચમહાલ જિલ્લામાં પણ 11 પી.એસ.એ. પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે, જે પૈકી 8 પ્લાન્ટ સ્થપાઈ ચૂક્યા છે. સિવિલ હોસ્પિટલ, ગોધરા ખાતે 80 લાખના ખર્ચે સ્થપાયેલા અને આજે લોકાર્પણ કરાયેલ 1000 લિટર પ્રતિ મિનીટની ક્ષમતાના પી.એસ.એ. પ્લાન્ટ થકી 100 જેટલા બેડના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડી શકાશે તેમ ઉમેર્યું હતું. મેડિકલ ઓક્સિજનની આ સુવિધાઓ કોરોના સિવાય અન્ય તબીબી સારવારમાં પણ અતિ ઉપયોગી બની રહેશે. કોરોનાના કપરા કાળમાં પરિવારની સલામતીની ચિંતા હોવા છતાં પોતાના જીવના જોખમે લોકોની સેવા કરનારા તબીબો અને કોરોના વોરિયર્સનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે દેશના 135 કરોડ પૈકી 100 કરોડ જેટલા લોકોને રસી અપાઈ ચૂકી છે પરંતુ હજી પણ કોરોના અંગે આપણે બેદરકાર ન રહેતા સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા તેમણે અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ. કામિનીબેન સોલંકીએ પોતાના પ્રવચનમાં કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા કરાયેલ સારવાર અને રાહતને લગતી વ્યવસ્થાઓ વિશે વાત કરતા અધિકારીઓ-કર્મચારીઓ, તબીબો-નર્સો-પેરામેડિકલ સ્ટાફની કામગીરીની પ્રશંસા કરતા આભાર વ્યક્ત કર્યો હતો. ગોધરાના ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીએ કોરાનાની કોઈ દવા શોધાઈ નથી ત્યારે સુરક્ષા માટે માસ્ક સહિતના સલામતીના પગલા અને રસીકરણ જ એકમાત્ર ઉપાય છે તેમ જણાવતા જિલ્લામાં રસીકરણની કામગીરી પ્રશંસનીય ગતિથી આગળ વધી રહી છે તેમ ઉમેર્યું હતું.
આ પ્રસંગે 13 જેટલા તબીબો-આરોગ્ય કર્મચારીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સિવિલ સર્જન ડો. મોના પંડ્યા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અને સીડીએચઓ ડો. મીનાક્ષી ચૌહાણ દ્વારા આભારવિધી પ્રસ્તુત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ, ડાયરેક્ટર એઈડ્સ કન્ટ્રોલશ્રી ડો. રાજેશ ગોપાલ, સીડીએચઓ ડો. મિનાક્ષી ચૌહાણ, સીડીએમઓ ડો. મોના પંડ્યા સહિતના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here