રાજ્યના વીજ ગ્રાહકોના હિતમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વનો નિર્ણય…

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યનિટ ૧૯ પૈસાનો ઘટાડો: ત્રણ મહિનાના અંદાજે રૂપિયા ૩૫૬ કરોડની રાહત ગ્રાહકોને થશે: ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ

ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં વીજ વપરાશ કરતા વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી મળી રહે અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વ વાળી રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો ગ્રાહકોના હિતમાં કર્યા છે જેના ભાગરૂપે રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૯ પૈસાનો ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે ૧.૪૦ કરોડથી વધુ ગ્રાહકોને ત્રણ મહિનાના રૂપિયા ૩૫૬ કરોડની રાહતોના લાભ મળશે.

ઊર્જા મંત્રીશ્રીએ ઉમેર્યું કે વીજ વપરાશ કરતા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે આ ફ્યુઅલ સરચાર્જની વસુલાત નામદાર ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોર્મ્યુલાના આધારે વસૂલવામાં આવે છે. પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે કે જુલાઇ-૨૦૨૦થી સપ્ટેમ્બર-૨૦૨૦ ના ત્રિમાસિક ગાળા દરમિયાન ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓ ફ્યુઅલ સર ચાર્જની વસુલાત પ્રતિ યુનિટ રૂ ૨.૦૦ પૈસા લેખે વસૂલાતી હતી. તેની સામે ઓકટોબર-૨૦૨૦ થી ડિસેમ્બર-૨૦૨૦ ના ત્રિમાસિક ગાળા દરમિયાન ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા ૧.૮૧ ના દરે વસૂલવાનો થાય છે આમ ગત ત્રિમાસિક ગાળા કરતાં આ ત્રિમાસિક ગાળામાં ફ્યુઅલ સરચાર્જના પ્રતિ યુનિટમાં ૧૯ પૈસાનો ઘટાડો મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તા કોલસાની ઉપલબ્ધતા તેમજ સસ્તા ગેસની ઉપલબ્ધતાના કારણે થયો છે આ ઘટાડાના કારણે વીજ ગ્રાહકોને રૂપિયા ૩૫૬ કરોડની રાહત મળશે.

મંત્રીશ્રી પટેલે ઉમેર્યું કે આ ફ્યુઅલ સરચાર્જ ઘટવાનું મુખ્ય કારણ એ છે કે આ ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય સરકારે સસ્તા દરે ગેસ ગ્રાહકોના હિતમાં ખરીદ્યો છે અને ગેસ આધારિત વીજ ઉત્પાદન કર્યું છે જેને લીધે વીજ ઉત્પાદન ખર્ચ ઓછું થયું છે જેનો સીધો લાભ વીજ ગ્રાહકોને આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે એટલે કે અંદાજે ૧.૪૦ કરોડથી વધુ ગ્રાહકોને આ લાભ સીધે સીધો મળતાં તેમના વીજ બીલમાં રાહત થશે અને બિલ ઓછું આવશે તેમ તેમણે ઉમેર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here