રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેંદ્રભાઈ પટેલના હસ્તે રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ પંચમહાલ જિલ્લાના ગોધરાથી કરવામાં આવશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

મુખ્યમંત્રીશ્રીના હસ્તે જિલ્લાના કુલ ૫૯૧૦ લાભાર્થીઓને રુપિયા ૧૩૦.૩૪ કરોડના વિવિધ વિભાગોની યોજનાકીય સહાયના લાભો મળશે

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેંદ્રભાઈ પટેલના હસ્તે વર્ષ ૨૦૨૨ દરમિયાન યોજાનાર ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ૧૪ ઓક્ટોબરના રોજ ૧૦ વાગ્યેથી એસ.આર.પી ગ્રાઉંડ ગોધરા ખાતેથી કરવામા આવશે.આ પ્રસંગે જિલ્લાના કુલ ૫૯૧૦ લાભાર્થીઓને રુપિયા ૧૩૦.૩૪ કરોડના વિવિધ વિભાગોની યોજનાકીય સહાયના લાભો મુખ્યમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરાશે. પંચમહાલ જિલ્લામાં વર્ષ ૨૦૧૩થી લઈને અત્યારસુધી (૨૦૨૧/૨૨) સુધી કુલ ૦૭ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત કુલ રુપિયા ૫૦૯.૩૧ કરોડની સહાય ચુકવવામાં આવી છે. આ અંતર્ગત અત્યારસુધી જિલ્લાના ૨ લાખ ૪૦ હજાર ૬૬૬ લાભાર્થીઓને લાભ મળ્યો છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અંત્યોદય-છેવાડાના માનવીના સર્વાંગી ઉત્થાન અને ગ્રામ સ્વરાજના ઉદ્દેશોને પાર પાડવા ર૦૦૯થી ગરીબોના સશકિતકરણ માટેનો આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.રાજ્ય સરકારની વિવિધ વ્યકિતલક્ષી સહાયના લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળા દ્વારા એક જ છત્ર નીચે બધા જ લાભ કોઇપણ જાતના વચેટિયા વગર સીધા પારદર્શી રીતે મળી રહે તે હેતુસર વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ગરીબ કલ્યાણ મેળાનો નવતર અભિગમ વિકસાવેલો છે.જેનો લાભ ગુજરાતની જનતાને મળ્યો છે.

રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાઓના ૧૧ તબક્કામાં ૧,૫૩૦ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી ૧.૪૭ કરોડ દરિદ્ર નારાયણ જરૂરિયાતમંદોને રૂા.૨૬,૬૦૦ કરોડ ઉપરાંતની સહાય હાથો હાથ પહોંચાડવામાં આવી છે. ૧૨માં ત્રિદિવસીય રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાઓમાં ૫૭,૨૩૧ લાભાર્થીઓને રૂા.૧૫૪.૪૪ કરોડની સ્થળ ઉપર સહાય તેમજ ૧૭,૩૦,૬૫૩ લાભાર્થીઓને રૂા.૭,૬૧૦.૫૮ કરોડની કુલ સહાય ચૂકવવામાં આવી છે.
આ ગરીબ કલ્યાણ મેળામા રાજ્ય આરોગ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડ, અતિથી વિશેષપદે અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ.કામિનીબેન સોલંકી, પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, છોટાઉદેપુર સાંસદશ્રી ગીતાબેન રાઠવા, ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, હાલોલ ધારસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર અને કાલોલ ધારાસભ્યશ્રી સુમનબેન ચૌહાણની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાશે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના સુચારુ આયોજન અંગે જિલ્લાના સબંધીત અધીકારીગણો સાથે બેઠક યોજાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here