રાજપીપલાના સરકારી દવાખાના ખાતે રૂા.૨૬.૫૫ લાખથી પણ વધુના ખર્ચે લેબ-ઓપરેશન થિયેટરની સાધન-સુવિધાની ઉપલબ્ધિ સાથે જિલ્લામાં પ્રજાકીય આરોગ્ય સવલતો વધુ સુદ્રઢ બનાવાઇ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

કોવિડ-૧૯ ની સંભવત: ત્રીજી લહેર સામે આગોતરા આયોજનના ભાગરૂપે રૂા. ૫ કરોડના ખર્ચે સીટી સ્કેન મશીનની સુવિધા મંજૂર

કાર્ડિયાક વિભાગમાં હૃદયરોગના દરદીઓ માટે રૂા. ૨૦.૬૦ લાખના ખર્ચે ઇકો મશીન-TMT મશીનની સુવિધા માટેની દરખાસ્ત મંજૂરી હેઠળ

નર્મદા જીલ્લા કલેકટર ડી.એ. શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા વહીવટીતંત્ર-આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ સામે અનેકવિધ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરીને પ્રજાજનોની જનસુખાકારીમાં વૃદ્ધિ થાય તે માટેના સતત પ્રયાસો થઈ રહ્યાં છે, જેના ભાગરૂપે રાજપીપલાની જનરલ (સિવિલ) હોસ્પિટલમાં કુલ રૂા.૨૬.૫૫ લાખથી પણ વધુના ખર્ચે લેબોરેટરી અને ઓપરેશન થિયેટરમાં આરોગ્ય સવલતોના અદ્યતન ઉપકરણોના લોકાર્પણ સાથે પ્રજાજનો માટે શ્રેષ્ઠત્તમ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
રાજપીપલાના જનરલ હોસ્પિટલના CDMO અને સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા ના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લા આયોજન મંડળના અનુદાનમાંથી રૂ.૪,૯૮,૩૮૦/- ના ખર્ચે લેબોરેટરીમાં બ્લડ ટેસ્ટ માટે સેમી ઓટોમેટેડ એલીસા વોશર ફીડર તેમજ રૂ.૮,૫૦,૧૬૪ ના ખર્ચે બ્લડ બેન્ક માટે ૨ નંગ રેફ્રીજરેટર સહિત કુલ રૂા.૧૩,૫૫,૫૪૪/- ના ખર્ચે સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. તદ્ઉપરાંત રૂા.૫.૫૦ લાખના ખર્ચે ઓપરેશન થિયેટરમાં મલ્ટીપારા મોનિટર તથા પેરી હેરલ નર્વ સ્ટીમ્યુલેશનનાં સાધનોની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનાથી દરદીઓને હવે ઘણી રાહત મળી રહેશે.
તેવી જ રીતે ટ્રાયબલ-સબ-પ્લાન અંતર્ગત પ્રાયોજના વહિવટદારશ્રીની કચેરીના અનુદાન દ્વારા કુલ રૂા.૧૩ લાખના ખર્ચે જનરલ હોસ્પિટલના દાંત વિભાગ માટે રેડીઓવીસીઓગ્રામ અને ડિઝીટલ એક્ષરે-મશીનની સુવિધા પણ ઉપલબ્ધ કરાઇ છે.
તદ્ઉપરાંત રાજપીપલા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે કોવિડ-૧૯ ના સંક્રમણની સંભવત: ત્રીજી લહેર સામેના આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા રૂા.૫ કરોડના ખર્ચે સીટી સ્કેન મશીનની સુવિધા માટે મંજૂરી આપવામાં આવી છે. તેની સાથોસાથ રૂા. ૧૮ લાખના ખર્ચે કાર્ડિયાક વિભાગ માટે ઇકો મશીન તથા રૂા.૨.૬૦ લાખના ખર્ચે TMT મશીનની સુવિધા ઉપલબ્ધિની દરખાસ્ત મંજૂરી પ્રક્રિયા હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here