પંચમહાલમાં “આયુષ્યમાન ભવ:” અભિયાન હેઠળ ૧૩મી સપ્ટેમ્બરથી વિવિધ કાર્યક્રમ યોજાશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પ્રજાજનોને આરોગ્ય યોજનાઓની માહિતી સહિત આયુષ્યમાન કાર્ડ વિતરણ કેમ્પ, રક્તદાન શિબિરનું આયોજન કરાશે

દેશના મહામહીમ રાષ્ટ્રપતિ દ્વારા આગામી તા.૧૩મી સપ્ટેમ્બરના રોજ વર્ચ્યુઅલ રીતે દેશભરમાં “આયુષ્યમાન ભવ:” કાર્યક્રમ લોન્ચ કરવામાં આવશે,જેના અનુસંધાને પંચમહાલ જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પંચમહાલ જિલ્લામાં “આયુષ્યમાન ભવ:” કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓ સુધી તમામ આરોગ્ય લક્ષી યોજનાઓ અસરકારક રીતે પહોંચી શકે તે માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રજાજનોને આરોગ્યની યોજનાથી સંપૂર્ણપણે માહિતગાર કરવા તેમજ યોજનાઓનો ૧૦૦ ટકા લાભ જિલ્લાના છેવાડાના ગામડાના લાભાર્થીઓ સુધી પણ પહોંચે તે માટે ૧૭મી સપ્ટેમ્બરથી “આયુષ્યમાન ભવ:” અભિયાન હાથ ધરાશે.
આ અભિયાન અંતર્ગત તા ૧૩મી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડના કેમ્પ, રક્તદાન શિબિર સહિત વિવિધ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.આયુષ્યમાન ભવ કાર્યક્રમ હેઠળ “આયુષ્યમાન આપકે દ્વાર” ત્રીજા તબક્કાનો કાર્યક્રમ કરાશે, જેમાં પી. એમ.જે.વાય.યોજના હેઠળ લાયક લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ માટે તા.૧૭મી સપ્ટેમ્બરે ઝુંબેશ રૂપે કાર્યવાહી હાથ ધરી, એક પણ લાભાર્થી આ લાભથી વંચિત ન રહે તેની ખાતરી કરવા કેન્દ્ર સરકારની માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન ‘આયુષ્યમાન મેળા’ અને ‘આયુષ્યમાન સભા’નું પણ આયોજન કરવામાં આવશે. તા.૧૭મી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબરને સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવશે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા “આયુષ્યમાન ભવ:” સેવા પખવાડિયા દરમિયાન આરોગ્યને લગતી વિવિધ સેવાઓની પ્રવૃત્તિઓ સાથે ગ્રામીણ અને શહેરી વિસ્તારની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓ પર સ્વચ્છતા અભિયાન અને રક્તદાન શિબિર જેવી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here