નર્મદા : સંભવિત વાવાઝોડું, ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિ સામે જરૂરી તકેદારી અને રાહત બચાવની સઘન કામગીરી માટે સાબદુ બનતું જિલ્લા વહિવટીતંત્ર

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે કુદરતી આપત્તિઓ સામે સાવચેતીના પગલાં માટે પ્રિ-મોન્સૂન પ્રિપેર્ડનેશની યોજાયેલી બેઠક

નર્મદા જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીએ આજે રાજપીપલા કલેકટરાલય ખાતે યોજાયેલી ઉકત બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતાં નર્મદા જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુ દરમિયાન સંભવિત વાવાઝેાડુ, ભારે વરસાદ કે ઉભી થનારી પરિસ્થિતિ સામે અગમચેતીનાં પગલાંરૂપે રાખવાની થતી તમામ પ્રકારની સાવચેતી અને તકેદારી સાથે રાહત બચાવની સઘન કામગીરી માટે જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી જિલ્લા વહીવડીતંત્રને સાબદું કર્યુ છે અને ચોમાસાની ઋતુ દરમિયાન અધિકારી/કર્મચારીઓને કોઇપણ સંજોગોમાં પૂર્વ મંજૂરી વિના મુખ્ય મથક ન છોડવાની પણ તેમણે સખત તાકીદ કરી છે.

જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીએ ડિઝાસ્ટર સમયે ટીમવર્ક સાથેના પ્લાનીંગ ઉપરાંત સંબંધિત અધિકારીઓની મુખ્ય મથકે વ્યકિતગત હાજરી , પ્રોએકટીવલી કામગીરી હાથ ધરવા, ભૂતકાળના અનુભવોને ધ્યાને લઇને તેમજ આવા ડિઝાસ્ટર બાબતે જરૂરી અનુમાન (પ્રિડીકશન) ના આધારે આગોતરી કામગીરી, દરેક ગામની અગત્યની, મહત્વની વ્યકિતના વ્યકિતગત સંપર્ક નંબર્સની અદ્યતન યાદી, તરવૈયાઓની અદ્યતન યાદી, રાહત બચાવના સાધનોની યાદી તૈયાર રાખવાની હિમાયત કરી હતી. સંભવિત પરિસ્થિતિ ઉભી થયેથી એડવાન્સમાં જિલ્લા-તાલુકાતંત્રની વ્યકિત/ટીમ જે તે સ્થળે પહોંચી જાય તો તેની સાથે જરૂર પડયે સ્થળાંતર સહિત જે તે પરિસ્થિતિનું સતત મોનીટરીંગ કરી શકાશે તેમ જણાવી તેમણે ડિઝાસ્ટર બાદ નુકશાનની વિગતોનો સમયસર શકય તેટલો વહેલો સર્વે હાથ ધરીને તેના અંદાજની પ્રાથમિક વિગતો એકત્ર કરવા ઉપરાંત માનવ- પશુ મૃત્યુના કિસ્સામાં સમયસર રીપોર્ટીંગ અને સહાયની ચુકવણી થાય તેની કાળજી રાખવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. જે શહેરી વિસ્તાર કે ગામો નીચાણવાળા વિસ્તારમાં છે તેવા ગામોમાં પાણી આવે તો તેમના માટેના આશ્રય સ્થાનોમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને સેનીટાઇઝેશનની સુવિધા ઉભી કરવાની સૂચના પણ આપી હતી.

પ્રિ-ડિઝાસ્ટર અને પોસ્ટ ડિઝાસ્ટર સંદર્ભે કરાવાની થતી કાર્યવાહી અંગે વિસ્તૃત જાણકારી સાથે માર્ગદર્શન પૂરૂં પાડયુ હતું અને જિલ્લાના તમામ પાંચેય લાયઝન અધિકારીઓને તાલુકા કક્ષાએ બેઠક યોજીને પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી લેવા ખાસ અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લાના મહેસુલ, અન્ન અને નાગરિક પુરવઠા, પંચાયત, સિંચાઇ, માર્ગ અને મકાન, ડી.જી.વી.એલ, નગરપાલિકા, મત્સ્યોદ્યોગ, આર.ટી.ઓ., આરોગ્ય, પાણી પુરવઠા, પોલીસ, બી.એસ.એન.એલ., શિક્ષણ, વન, કૃષિ-પશુપાલન, સ્વૈચ્છિક સંસ્થાઓ અને માધ્યમો દ્વારા કરવાની થતી કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દવારા વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતુ.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ, નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહીવટદારશ્રી ડી.કે.પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ, ડિઝાસ્ટર મામલતદારશ્રી અને D.P.O. શ્રી બંટીશ પરમાર સહિત જિલ્લાના તાલુકા મામલતદારશ્રીઓ/તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, સિંચાઇ-પાણી પુરવઠાના ઇજનેરશ્રીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here