નર્મદા જિલ્લામાં ઝરણાવાડી ખાતે આદિમ જૂથના લાભાર્થીઓ માટે 15 મી જાન્યુઆરી ના રોજ પ્રધાનમંત્રી જનમન કાર્યક્ર્મ યોજાશે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

લાભાર્થીઓ ને વિવિધ વિભાગોની કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓના લાભ હાથો હાથ અપાશે

ડેડિયાપાડા – સાગબારા તાલુકાના આદિમ જૂથના લાભાર્થીઓને સંતૃપ્તિ કાર્યક્રમ યોજાશેઃ પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને આદિમ જૂથને પ્રેરક સંદેશો આપશેઃ રાજ્યના વિવિધ – ૧૫ જિલ્લાઓમાં પણ કાર્યક્રમ યોજાશે, લાભાર્થી સાથે સંવાદ યોજાશે

જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે પીએમ જન-મન કાર્યક્રમ અંગેની તૈયારી અને કરવામાં આવેલી અમલવારી કામગીરીની સમીક્ષા કરાઇ

સમગ્ર દેશમાં આદિમ જૂથના લોકો સાથે ખાસ કરીને નબળા આદિમ જૂથના કોટવાળીયા-કાથોડી લોકો કેન્દ્ર-રાજ્ય સરકારની મહત્વની મૂળભૂત યોજનાઓનો લાભ મળે તે માટે અને લાભથી વંચિત રહી ગયેલા છેવાડાના માનવીને મુખ્ય ધારામાં લાવવાના બહુઆયામી અભિયાન પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગમી ૧૫મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ દેશના વિવિધ રાજ્યો અને જિલ્લા, તાલુકા કક્ષાએ આ સંવાદ કાર્યક્રમના માધ્યમથી નબળા વર્ગના લોકોને સંતૃપ્તિ કરવા માટે ના મહા અભિયાન હેઠળ શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા,અન્ન યોજના, પીવાનું પાણી, પીએમ આવાસ યોજના,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્યમાન કાર્ડ, વીજળી, આધાર કાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ, જાતિના દાખલા, વિવિધ યોજનાઓના લાભોના હુકમ પત્રો અને સરકાર દ્વારા કરવામાં આવતા નક્કર પ્રયત્નો અને સંવેદના સાથે જન સુખાકારી માટે પીવીટીજી અંતર્ગત સાગબારા-ડેડિયાપાડા તાલુકાના ૫૨ ગામોમાં વહિવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા સતત સર્વે કેમ્પ અને સ્થળ મુલાકાત સહિત રૂબરુ લાભાર્થીને કર્મયોગીઓ મળીને લાભથી વંચિત લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. જેને ઘર આંગણેજ યોજનાકીય લાભ પહોંચે તે માટે આગામી ૧૫ મી જાન્યુઆરીએ દેડિયાપાડાના ઝરણાવાણી ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે. તેના ભાગરૂપે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતિ શ્વેતા તેવતિયાના અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડમાં ૪.૦૦ કલાકે બેઠક મળી હતી, જેમાં સમગ્ર કાર્યક્રમની વ્યૂહરચના અને આયોજન અમલવારી અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.

કાર્યક્રમ સ્થળે વિવિધ વિભાગના પ્રસાર-પ્રચાર માટે જાગૃતિ લાવવા સ્ટોલ તેમજ જે તે વિભાગના લાભો આદિમ જૂથને આપવા તથા મંજૂરી પત્રો આપીને સુનિશ્ચિત કરવાનું રહેશે અને કોઈ બાકી રહી ગયા હોય તો ત્વરિત લાભ આપવા, નોંધણી કરવી અને કાર્યક્રમ અગાઉ જે કંઈ આધાર પુરાવા કે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ કાઢીને તેમને માનવતાના ધોરણે તે દિવસે આપવાના રહેશે.

કાર્યક્રમના આયોજન માટે લોકોને પાણી, નાસ્તો, ભોજન તેમજ આરોગ્ય સેવા પ્રદાન કરવા અંગેની સૂચના અપાઈ હતી. એલ.ઇ.ડી લાઈટ, મંડપ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ અને લાભાર્થીને લાવવા અને બેસવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ જિલ્લા પંચાયતના તમામ વિભાગોએ નિષ્ઠા, ખંત અને જવાબદારી પૂર્વક આ કામને સાગોપાંગ પાર ઉતારવા હિમાયત કરી હતી. પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી દ્વારા સમગ્ર કાર્યક્રમને મહાઅભિયાન સ્વરૂપે ઉપાડી સેવા સેતુનો ઉમદા ભાવ સરકારી કર્મયોગી તરીકે અદા કરવા અપીલ કરી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવ દ્વારા ભારત સરકારની ગાઈડલાઈન મુજબ અને પેરામીટર પ્રમાણેની સૌ અમલીકરણ અધિકારીને કામગીરી કરવા અને એકબીજા વિભાગ સાથે સંકલનમાં રહીને સો ટકા સેચ્યુરેશન કામગીરી કરવા હાંકલ કરી હતી.

આ બેઠકમાં દેડિયાપાડા પ્રાંત અધિકારી ડી.આર.સંગાડા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારી બેઠકમાં ઉપસ્થિત રહીને રચનાત્મક સૂચનો અને પોતાના વિભાગની કામગીરીની માહિતીની ઝલક આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here