નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં થઇ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉત્સાહપૂર્વક ઉજવણી

ડેડીયાપડા, (નર્મદા) આશિક પઠાણ :-

આઝાદીની જંગમાં અંગ્રેજો સામે લડનારા આદિવાસી સમાજનો ઇતિહાસ અતિભવ્ય: કૃષિ મંત્રી  રાઘવજી પટેલ

દેડિયાપાડા ખાતે “મારી માટી, મારો દેશ” અભિયાનનો પ્રારંભ કરાવતા મંત્રી એ પ્રકૃતિ પ્રેમી આદિજાતિઓને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો

નર્મદા જિલ્લામાં દેડિયાપાડા આદર્શ નિવાસી શાળાના પટાંગણમાં રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. પોતાની આગવી ઓળખ અને સંસ્કૃતિ ધરાવતા, પ્રકૃતિના ખોળે વસતા પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમુદાયને સંબોધતા કૃષિ મંત્રી એ આદિજાતિ મહાનાયકોના બલિદાનોને બિરદાવતા જણાવ્યું કે, આઝાદીની જંગમાં અંગ્રેજો સામે લડનારા આપણા આદિવાસી સમુદાયનો ઇતિહાસ અતિભવ્ય અને ગૌરવવંતો છે.

આઝાદીની લડતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા મહાનાયકો આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બને તે દેડિયાપાડા ખાતે ટ્રાયબલ મ્યુઝિયમનું નિર્માણ કરવાનું આયોજન છે. અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વપટ્ટામાં વસતા રાજ્યના અભિન્ન અંગ સમાન આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ દ્વારા વિકાસની મુખ્યધારામાં લાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાનું સફળ અમલીકરણ કર્યું છે, તેમ મંત્રી પટેલે ઉમેર્યું હતું.

આ તકે મંત્રી પટેલે, વડાપ્રધાનના માર્ગદર્શન અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે પણ આદિજાતિ સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક ઉત્કર્ષને ધ્યાનમાં રાખીને અનેકવિધ આદિજાતિ હિતલક્ષી યોજનાઓને પરિણામલક્ષી બનાવીને તેજ રફતારથી આગળ ધપાવી છે. મંત્રીએ વધુમાં સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ફ્રી શીપ કાર્ડ યોજના, મા અન્નપૂર્ણા યોજના જેવી વિવિધ યોજનાઓનો લાભ લેવા આદિજાતિ બાંધવોને અનુરોધ કર્યો હતો.

મંત્રી એ કહ્યુ કે, રાજપીપળા ખાતેની બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, સમરસ હોસ્ટેલ, શાળા-આંગણવાડીના બાળકો માટે શિક્ષણ અને પોષણની શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરાવીને શૈક્ષણિક ઉત્કર્ષની દિશામાં રાજ્ય સરકારે અવિરત કામગીરી કરી છે. વધુમાં મંત્રીએ પ્રકૃતિ પ્રેમી અને પ્રકૃતિના રક્ષક એવા આદિવાસી બાંધવોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રયાણ કરવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.

આ સમારોહ દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોના ચેક વિતરણ કરવા સહિત આદિવાસી સમાજના વિશેષ સિદ્ધી પ્રાપ્ત કરનાર પ્રગતિશીલ ખેડૂતો-પશુપાલકો, રમતવીરો, કલાકારો, શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ અને દેશની સુરક્ષા માટે ખડેપગે સેવા આપતા વીર-જવાનોના પરિવારને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમની શરૂઆતમાં પરંપરાગત આદિજાતિ સાંસ્કૃતિક નૃત્ય અને આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટેની યોજનાઓ લક્ષી ડોક્યુમેન્ટરી ફિલ્મ સૌએ નિહાળી હતી.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ સર્વ સમાજને સાથે લઈને વિશ્વમાં ફરી એક વાર દેશની એકતા અને અખંડિતતા પ્રસ્થાપિત કરીને દેશની આન બાન અને શાનમાં વધારો કર્યો છે. ત્યારે આઝાદીના ૭૫ વર્ષની સ્વર્ણિમ ઉજવણી પ્રસંગે વીર જવાનોના બલિદાનોને બિરદાવવા તથા માટીનું ઋણ અદા કરવા માટે સરકારના “મારી માટી, મારો દેશ’અભિયાનનો મંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો.

મંત્રી એ શાળાના પટાંગણમાં માતૃભૂમિની સ્વતંત્રતા અને ગૌરવની રક્ષા માટે બલિદાન આપનાર તમામ વીરોની યાદમાં તકતી (શીલાફલકમ)નું અનાવરણ કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે સૌ આદિવાસી બાંધવોને હાથમાં માટીના દીવામાં માટીની સાક્ષીમાં રાષ્ટ્રના વિકાસ, દેશના વારસાનું સંરક્ષણ, દેશની એકતા અને પોતાના ફરજો, જવાબદારી સહિત ગુલામીની માનસિકતામાંથી મુક્તિ અંગે અમૃતકાળના પંચ પ્રણની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી.

કાર્યક્રમના અંતે મંત્રી એ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન થકી માટીને નમન અને વીરોને વંદન કર્યુ હતું.  જ્યાં મંત્રી એ વૃક્ષા રોપણ કરીને પર્યાવરણના જતનનો સંદેશો આપ્યો હતો. આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખએ મંત્રી ને ભગવાન બિરસામુંડાની તસ્વીર અર્પણ કરી “મારી માટી, મારો દેશ” ઝુંબેશ સંલગ્ન સેલ્ફી પણ લીધી હતી.

આ પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રયુષાબેન વસાવા, દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ તારાબેન રાઠોડ, સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ રોહિદાસ વસાવા,  જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, ગાંધીનગરથી એકલવ્ય મોડલ સ્કુલના ડાયરેક્ટર, દેડિયાપાડા પ્રાંત અધિકારી આનંદ ઉકાણી સહિત જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના બાંધવોએ પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી.

કૃષિ મંત્રી એ નિવાલ્દા ગામની મુલાકાત લઇ ગ્રામજનોને મળતા સરકારી યોજનાના લાભ અંગે માહિતી મેળવી આદિજાતિ પરિવારના ઘરે પરંપરાગત ભોજનનો સ્વાદ માણ્યો

કૃષિ અને પશુપાલન મંત્રી  રાઘવજી પટેલે પોતાની અનુકૂળતાએ નિવાલ્દા ગામની મુલાકાત લીધી હતી. મંત્રીએ ગામના સરપંચ શ્રીમતી રવિન્દ્રાબેન ધરમસિંહભાઈ વસાવા સાથે સંવાદ કરી, ગ્રામજનોને ઉપલબ્ધ કરાવેલી વિવિધ સરકારી સેવા-સુવિધાઓ, સરકારી યોજનાઓની માહિતી અને લાભો અંગેની માહિતી મેળવી હતી.

સરકારની ગોબરગેસ યોજનાનો લાભ લઈ રહેલા સ્થાનિક આદિજાતિ બાંધવના ઘરની પણ મંત્રીએ મુલાકાત લીધી હતી. જ્યાં યોજનાના લાભાર્થીએ મંત્રીને યોજનાનો લાભ મેળવ્યા બાદ આવકમાં થયેલા વધારા તથા બચતની સાથે સ્લરીનો પોતાના ખેતરમાં ઉપયોગ થકી જમીનની ગુણવત્તામાં થઈ રહેલા સુધારા વિશે અવગત કરાવવામાં હતા. જે બાદ ગ્રામજનોના આવકાર સત્કારને માન આપીને મંત્રી  રાઘવજી પટેલે એક સાધારણ નાગરિકની જેમ જ આદિજાતિ પરિવારના ઘરે પરંપરાગત ભોજન લઇ આનંદ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here