નર્મદા કલેક્ટરે પોતાના બાળકોને પોલિયો રસીકરણ કરાવી અન્ય માતા પિતા માટે પ્રેરણા સ્ત્રોત બન્યા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લામાં પોલીયો રસીકરણ ઝુંબેશ થકી ૦થી ૫ વર્ષના આશરે ૪૦ હજાર થી વધુ બાળકોને સુરક્ષિત કરાયા

“સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે” અંતર્ગત સઘન પલ્સ પોલીયો ઝુંબેશમાં ગામે ગામ આરોગ્ય વિભાગ અને આંગણવાડી વર્કરની ટીમોએ કામગીરી હાથ ધરી

રાજ્યભરમાં પોલીયોને નેસ્તનાબૂદ કરવા માટે “સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે” અંતર્ગત પોલીયો વેકસીનના એસ.એન.આઈ.ડી. રાઉન્ડનું સમગ્ર નર્મદા જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા રવિવારના રોજ ૦થી ૫ વર્ષના ભુલકાંઓને વિનામૂલ્યે રસી પીવડાવીને પોલીયોના રોગથી સુરક્ષિત કર્યા હતા. આ તબક્કે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ પણ પોતાના બાળકોનું પોલીયો રસીકરણ કરાવી જિલ્લાના નાગરિકોને આ અભિયાનમાં જોડાઈને પોતાના બાળકોનું રસીકરણ કરાવે તેવી આપીલ કરી હતી, નર્મદા કલેકટર પોતાના બાળકો ને પોલિયો રસીકરણ કરાવતા જીલ્લા ના અન્ય માતા પિતા માટે તેઓ પ્રેરણા સ્ત્રોત બન્યા હતા.

નર્મદા જિલ્લાના તાલુકા સ્તરે ૧૭૪ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, જિલ્લાના દરેક આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો, બસ સ્ટેશનો, વિકસિત ભારત યાત્રાના કાર્યક્રમ સ્થળે બુથનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત ૨૩૪ પોલીયો બુથ પર જિલ્લાના અંદાજીત ૧.૩૦ લાખ ઘર અને ૪૭,૩૦૧ જેટલા બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. જે અંતરગત ૪૦ હજાર થી વધુ બાળકો નું રસીકરણ થયું હોવાનો હાલ અંદાજ છે, આ કામગીરી માટે ૨૯ મોબાઈલ અને ટ્રાન્ઝીટ ટીમ, ૪૮ જેટલી ટીમ સુપરવાઇઝરો અભિયાનમાં જોડાયા છે. જેમાં બુથ રસીકરણ, ઘર ઘર રસીકરણ, ટ્રાન્ઝીટ અને મોબાઈલ ટીમ દ્વારા વર્ષ ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોની રસીકરણમાં આવરી લેવાશે. રવિવારના રોજ બુથ ઉપરથી બાળકોને પોલીયો અભિયાનમાં સમાવી લેવામા આવ્યા હતા. ત્યારબાદ બાકી રહી ગયેલા બાળકોનું ડોર-ટુ-ડોર સર્વેના માધ્યમથી રસીકરણ કરવામાં આવનાર છે.

હાલમાં નર્મદા જિલ્લામાં ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે. ત્યારે આજે રવિવારના રોજ જે ગામોમાં યાત્રા પહોંચવાની છે ત્યાં કાર્યક્રમ સ્થળે પણ આરોગ્ય વિભાગ દ્વારા પોલીયો અભિયાન અંતર્ગત ખાસ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી કાર્યક્રમ સ્થળે હાજરી આપવા આવેલા નાગરિકો પોતાના બાળકોને પોલીયો રસીકરણ કરાવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here