જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા ‘માનવીની ભવાઈ ‘ ના પરિવેશનો અનુભવ

ગોધરા(પંચમહાલ),

‘માનવીની ભવાઈ’નું પ્રકરણ “ગામે ગાયો રમાડી કાળુને મન” વાંચ્યા પછી સતત મનમાં રહ્યા કરતું હતું કે આ ગાયો રમાડવાનો પ્રસંગ ક્યાંક માણવા મળે તો કેવું ? અને આખર પન્નાલાલ પટેલના એ વર્ણનજગતને માણવાનો વીસ વરસ પછી ઇંતજાર ફળ્યો હોય એમ સામેથી આમંત્રણ મળ્યું. દિનેશ માલિવાડના ગામનું. અમે પહોંચ્યા. અને જે ઉત્સવ માણ્યો. આહા એક અદકેરો અનુભવ. અલગ માહોલ. જીવન એક ઉત્સવ. નવા વરસનાં વધામણાં. આખુ ગામ ભેગું થાય. ગામના ટોળે.,પાદરે, ડાઘનું તોરણ બંધાય આ પારથી પેલે પાર અને પછી ગામ ટોળાની પૂજા. અનાજ,ભોગ,ધન, વગેરેથી થતી પૂજા. પરસ્પર એકબીજાને પોતાના હાથે કાવો આપીને એકબીજાનો પ્રેમ વ્યક્ત થાય. 80 વરસના દાદા સમગ્ર વિધિનું સંચાલન કરતા જોવા મળે.
ગામના જુવાન જુવતીઓ શણગારેલી ગાયો લઈને આવ્યા હોય. ગાયો એક છેડેથી છોડે. તોરણ વટે ને ગામ આખું કિલકારીઓ કરી ઉઠે. ઢોલ પીહા ગાજી ઉઠે. લોક નાચી રાચી ઉઠે. એકબીજાને ગળે મળે. ઢોલ વાગતા વાગતા ફરે આખા ગામમાં. જે ઘરે જાય એ ઘરના આબાલવૃદ્ધ બધા હાથમાં ચોખાના દાણા લઈ નીકળે. આંગણે આવેલાને ચોખા જે મોતી ગણાય એનાથી વધાવે વડીલોને પગે લાગે. વડીલ ખભે પકડી ઉઠાડે. બેય ખભે ખભા મળે ને રામ રામ થાય. પરસ્પર આ નવા વરસનાં વધામણાં થાય. એકબીજાને શુભકામનાઓ અપાય. વળી ગામ આખામાં આમ જ ફરે. ઢોલ ભેગા, નાચ ભેગાં ગીતો. અને બસ આનંદ. કશા શુભકામમાં કશો વિક્ષેપ ન આવે અને આખું વરસ આ મહેનતુ લોક મોજથી વિતાવે. આ દિવસે લડ્યા હોય ખોટું લાગ્યું હોય એ બધા એક બીજા સાથે ભૂલીને, મઝા મઝા કરે, ખાય પીએ ને આનંદ આનંદ. આ અનેરા ઉત્સવને જાણે મોલથી લહેરાતા ખેતરો, ડોલતા ડુંગરા, વહેતી નદીઓ, ઉમંગભેર દોડતાં બાળકો, શરમાતી નવોઢાઓ, ફળિયાં, વૃક્ષો, પાંદડાં આ બધામાં એક ઉત્સવ ઉત્સવ આવી જાય આ ક્ષણો અનેરી છે. આગવી છે. માણવા જેવી છે. જય હો ગામદેવતા જય હો ગામટોળાની આ મા. જય હો લોક અને જય હો આજ કા આનંદ.
પંચમહાલ જિલ્લાનો આ અવસર નવા વરસના સપરમા દિવસે ઘણા ગામોમાં ઉજવાય છે. ઘણી જગ્યાએ આ સંસ્કૃતિ નાશ પામી છે. મોરવા હડફના કેલોદ ગામમાં આ નિયમિત ઉજવવા ગામના યુવાનો કટિબદ્ધ છે. લોકો એમાં સાથ પુરાવે છે. હોળી અને દિવાળીના પર્વો પર ઉજવાતા આ પરંપરાગત તહેવારો એ લોકજગતનું ધબકતું હૈયું છે. આખું વરસ ખેતી પશુપાલન અને મજૂરી કરતો આ વર્ગ આવા પ્રસંગોમાં આનંદ માણે છે. તહેવારો એ એમના માટે અનેરા આનંદની ઘડી છે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ઉજવાતા આ તહેવારોમાં જ લોકજીવનનો ધબકાર વર્તાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here