છોટાઉદેપુર જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં રૂા. ૩૭૯૪.૧૫ લાખના ૧૫૩૦ કામો મંજુર કરાયા

અધિકારીઓ અને પદાધિકારીઓ પરસ્પર સંકલનમાં રહી કામગીરી કરે મંત્રી: નિમિષાબેન સુથાર

જિલ્લાના વિકાસને નવી ઉંચાઇ પર લઇ જવા માટે અધિકારી અને પદાધિકારીઓ પરસ્પર સંકલનમાં રહી કામગીરી કરે એવી અપેક્ષા રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબિબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના વડામથક ખાતે આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં યોજાયેલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રાજયના તમામ વર્ગોનો સમતોલ વિકાસ થાય એ માટે ખૂબ સારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. પદાધિકારીઓ સતત લોકસંપર્કમાં રહેતા હોવાને કારણે લોકોની પડતી મુશ્કેલીઓ અંગે સારી પેઠે વાકેફ હોય છે તેથી પદાધિકારીઓ દ્વારા જે કામો સૂચવવામાં આવે એ કામોને અગ્રતા આપીને આયોજનમાં સમાવેશ કરવામાં આવે એ જરૂરી છે એમ જણાવી તેમણે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આદિજાતિ વિકાસ મંડળ દ્વારા મંજૂર કરવામાં આવેલા કામો પૈકી પૂર્ણ થયેલા, પ્રગતિ હેઠળના તેમજ બાકી કામો અંગે વિગતે ચર્ચા કરી તેમણે પ્રગતિ હેઠળના કામો ઝડપથી પૂર્ણ થાય અને બાકી કામો શરૂ કરવાની પ્રક્રિયા ઝડપથી કરવામાં આવે એવી તાકીદ કરી હતી.
બેઠક દરમિયાન ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુખરામભાઇ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી. મલકાબેન પટેલ, સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, રાજયસભા સાંસદ નારણભાઇ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી, જેતપુરપાવીના ધારાસભ્ય મોહનસિંહભાઇ રાઠવા, જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે પણ ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા આયોજનની આ બેઠકમાં છોટાઉદેપુર તાલુકા માટે કરવામાં આવેલા રૂા.૧૦૬૮.૯૮ લાખના ૪૧૭ કામો, કવાંટ તાલુકા માટે કરવામાં આવેલા રૂા.૯૯૫.૭૦ લાખના ૪૦૭ કામો, જેતપુર પાવી તાલુકા માટે કરવામાં આવેલા રૂા. ૫૭૩.૨૨ લાખના ૨૪૫ કામો, નસવાડી તાલુકા માટે કરવામાં આવેલા રૂા. ૭૧૯.૧૩ લાખના ૨૭૬ કામો, સંખેડા તાલુકા માટે કરવામાં આવેા રૂા. ૧૪૮.૬૧ લાખના ૬૪ કામો અને બોડેલી તાલુકા માટે કરવામાં આવેલા રૂા. ૨૮૩.૫૧ લાખના ૧૨૧ કામો મળી કુલ રૂા. ૩૭૯૪.૧૫ લાખના ૧૫૩૦ કામોનું આયોજન મંજૂર કરવામાં આવ્યા હતું.
બેઠકનું સંચાલન પ્રયાોજના વહીવટદાર જાડેજાએ કર્યું હતું. બેઠકમાં અધિક નિવાસી કલેકટર ભગોરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી.ભગત, નાયબ વન સંરક્ષક વિષ્ણુભાઇ દેસાઇ, પ્રાંત અધિકારી બોડેલી, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી, કાર્યપાલક ઇજનેર એ.આર.રાઠવા, કાર્યપાલક ઇજનેર કમલેશભાઇ બારૈયા, વાસ્મોના યુનિટ મેનેજર અજયભાઇ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખો, જિલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન, અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here