છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વાઇરસના વધતા સંક્રમણને લઈ અધિકારીઓ તેમજ પદાધિકારીઓની બેઠક યોજાઇ

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ કોવિડ-૧૯ મહામારી ચાલી રહી છે. ગુજરાત રાજય પણ એમાંથી બાકાત નથી. છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વાઇરસનું વધતું સંક્રમણ ચિંતાનું કારણ છે, ત્યારે જિલ્લા/તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ અને સરપંચો આ મહામારીને નિયંત્રણમાં લાવવા માટે તંત્રને સહયોગ આપે એવી રાજયના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડે અપીલ કરી હતી.
​છોટાઉદેપુર ખાતે જિલ્લા પંચાયત ભવનમાં આવેલા સભાખંડમાં ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન તેમણે વહીવટીતંત્ર દ્વારા મહામારીને નિયંત્રિત કરવા માટે કરવામાં આવી રહેલી કામગીરીની સરાહના કરી સૌના સહયોગ થકી જ મહામારીને નિયંત્રિત કરી શકાશે એમ જણાવી ચૂંટાયેલા પદાધિકારીઓ તેમના વિસ્તારના લોકોમાં જાગૃતિ આવે એ માટે તંત્રને સહકાર આપે એમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આપણી પાસે દવા, ઇન્જેકશનનો પુરતો જથ્થો હોવાનું તેમણે જણાવ્યું હતું.
​વધુમાં તેમણે આગામી સપ્તાહ દરમિયાન શરૂ કરવામાં આવનાર સર્વે દરમિયાન ચૂંટાયેલા પદાધિકારીઓ સર્વે ટીમની સાથે રહી લોકોને ટેસ્ટીંગ કરવા માટે તેમજ રસીકરણ માટે પ્રોત્સાહિત કરે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. ઉપરાંત તેમણે શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવે છે એ અંગે પણ પદાધિકારીઓ પ્રજાને સમજાવે એવી લાગણી તેમણે વ્યકત કરી હતી.
​ઉપરાંત તેમણે વહીવટીતંત્ર દર્દીઓની સતત ચિંતા કરી રહ્યું છે તેમ છતાં દર્દીઓ સારવાર માટે સામે આવતા નથી એમ જણાવી તેમણે દર્દીઓ આપણા સુધી નહીં આવે તો આપણે દર્દીઓ સુધી જઇને તેમને સારવાર માટે તૈયાર કરવા પડશે એમ જણાવ્યું હતું.
​જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલે મહામારીને કાબુમાં લાવવા માટે આગળની રણનીતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, આગામી સોમવારથી શુક્રવાર દરમિયાન જિલ્લાના તમામ ગામોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે કરી શરદી, ખાંસી તથા તાવના દર્દીઓની ઓળખ કરવામાં આવશે. તેમજ દવાનું પણ વિતરણ કરવામાં આવશે. શંકાસ્પદ કોરોનાના દર્દીઓને તેમના ગામમાં જ પ્રાથમિક શાળા, કોમ્યુનિટી હોલ કે સારી વ્યવસ્થા ધરાવતી અન્ય કોઇ જગ્યાએ આઇસોલેટ કરી સારવાર આપવામાં આવશે એમ વધુમાં ઉમેરી તેમણે નસવાડી, કવાંટ, સંખેડા અને જેતપુર પાવી તાલુકાના તાલુકા મથકોએ આગામી સપ્તાહ દરમિયાન કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે એમ જણાવ્યું હતું. ચૂંટાયેલા પદાધિકારીઓએ બેઠક દરમિયાન તેમના સૂચનો રજૂ કર્યા હતા.

બેઠકનું સંચાલન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર. ચૌધરીએ કર્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભેસિંગભાઇ તડવી, જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંતભાઇ વસાવા, માજી ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, આરોગ્ય સમિતિના ચેરમેન, અન્ય સમિતિઓના ચેરમેન, તાલુકા પંચાયતોના પ્રમુખ, આદિજાતિ વિકાસ નિગમના ડિરેકટર જશુભાઇ રાઠવા અને સંબંધકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here