છોટાઉદેપુર ખાતે જન ઔષધિ દિવસની ઉજવણી કરાઇ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :

બ્રાન્ડેડ દવાઓ કરતાં પચાસથી નેવું ટકા સસ્તી મળતી જેનરિક દવાઓ પણ બ્રાન્ડેડ દવાઓ જેટલી જ અસરકારક હોય છે એમ છોટાઉદેપુરના સાંસદ શ્રીમતિ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા દરબાર હોલમાં જન ઔષધિ દિવસની ઉજવણી દરમિયાન ઉપસ્થિત જનમેદનીને સંબોધતા છોટાઉદેપુરના સાંસદ શ્રીમતિ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના કરોડો પરિવારોની ચિંતા કરી સૌને વાજબી ભાવે દવાઓ મળે એ માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે એમ કહી તેમણે દવાઓ પાછળ થતો ખર્ચ ઘટાડવા માટે શરૂ કરવામાં આવેલા આ જન ઔષધિ કેન્દ્રો ખાતેથી જ દવાઓ ખરીદવાનો આગ્રડ રાખવામાં આવે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. આ ઉપરાંત મિલેટ વર્ષની ઉજવણી પ્રસંગે પારંપરિક જાડા ધાન્યનો વધુમાં વધુ ઉપયોગ અને ઉત્પાદન કરવામાં આવે એવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી. મલકાબેન પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે. છોટાઉદેપુર જિલ્લાના લોકોને સસ્તી દવાઓ મળી રહે એ માટે સરકાર દ્વારા પાંચ જન ઔષધિ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે એમ ઉમેરી તેમણે જેનરિક દવાઓ પ્રત્યે આમજનતામાં જાગૃતિ આવે એ માટે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે એમ કહ્યું હતું. ઉપરાંત તેમણે જેનરિક દવાઓ પણ બ્રાન્ડેડ દવાઓ જેટલી જ સુરક્ષિત અને અસરકારક હોય છે એમ કીધું હતું.
કાર્યક્રમ દરમિયાન સાંસદ શ્રીમતિ ગીતાબેન રાઠવા અને અન્ય મહાનુભાવોએ છોટાઉદેપુર જિલ્લાના જન ઔષધિ કેન્દ્રો સંચાલકોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા તેમજ જન ઔષધિ કેન્દ્રના નિયમિત ગ્રાહકોને પણ ભેટ આપીને પ્રત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા આરસીએચઓ એમ.ટી.છારીએ કાર્યક્રમના આયોજનનો આશય સ્પષ્ટ કર્યો હતો. કાર્યક્રમની આભારવિધિ ડૉ. ભરત મેવાડાએ આટોપી હતી.
ક્રાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઇ રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન વાનુબેન વસાવા, જિલ્લા મલેરિયા અધિકારી ડૉ. સોની, મેડિકલ ઓફિસર ડૉ. જયેશ રાઠવા અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here