ગોધરા : પ્રસુતાની મોતને લઈ પરિવારજનોએ શ્રી ઓર્થોપેડિક એન્ડ મેટરનીટી હોસ્પિટલના તબીબ ઝીલ પટેલ પર બેદરકારીના આરોપ મૂક્યા…

ગોધરા,(પંચમહાલ) સાજીદ શેખ :-

શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, પેટમાં દુખાવો થવા લાગ્યો હતો તેમજ આંખોની રોશની જતી હોય એમ ધૂંધળું દેખાવા લાગ્યું હતું તેમછતાં ડોક્ટર ના આવ્યા : મૃતકના ભાઈ

અનિશા પોતાના ૧૫ વર્ષના પુત્ર, ૯ વર્ષની એક તેમજ તાજી જન્મેલી બીજી દિકરી એમ કુલ ત્રણ બાળકોને એકલા મૂકી જન્નતના દ્વારે પહોંચી

મૃતક અનિશાના પતિનું ચાર મહિના અગાઉ એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, તબીબની ભૂલના ભોગે ત્રણેય બાળકો અનાથ થયા : લોકચર્ચા

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક એવા ગોધરા નગરમાં સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબોની બેદરકારીના કારણે સગર્ભા મહિલાઓની મોતનો સિલસિલો લગાતાર વધી રહ્યો હોવાની લોકબૂમ ઉઠવા પામી છે. એક પછી એક અનેક પ્રસુતાઓ તબીબી બેદરકારીનો ભોગ બનતા નિર્દોષ બાળકો અનાથ બની રહ્યા છે, તેમછતા આંખ આડા કાન કરી બેઠેલા તંત્રની સાથો સાથ ગોધરા નગરનો સભ્ય સમાજ પણ મૂંગો બહેરો બની ગયો હોય એમ “તેરા નંબર અબ આયા… મેરા નંબર કબ આયેગા” ની રાહ તાકી રહ્યો છે.

મળતી વિગતો અનુસાર ગોધરા નગરમાં ફરી એક વખતે સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબની ભૂલના કારણે ત્રણ બાળકોની માતાએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ પરિવાર જનો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે, ગોધરા નગરના દાહોદ રોડ પર આવેલ શ્રી ઓર્થોપેડિક એન્ડ મેટરનીટી નામક હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબ ઝીલ પટેલ વિવાદોના વંટોળામાં ઘેરાયા છે, પરિવાર જનોના જણાવ્યા મુજબ ગતરોજ સવારે અનિશા મીનહાજ હુસેન દિવાનને પ્રસુતિ માટે શ્રી ઓર્થોપેડિક એન્ડ મેટરનીટી નામક હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબ ઝીલ પટેલ પાસે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે અનિશા બેનએ બપોરના સમયે થયેલ પ્રસુતિ દરમિયાન એક બાળકીને જન્મ આપ્યો હતો, તે સમયે એટલે કે પ્રસુતિ પછી અનિશા બેનની તબિયત સારી હતી પરંતુ થોડા સમય પછી એટલે કે ત્રણ વાગ્યા પછી અનિશા બેનની તબિયત અચાનક લથડવા લાગી હતી, તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો તેમજ આંખોની રોશની જતી હોય એમ ધૂંધળું દેખાવા લાગ્યું હતું. તેઓની આ રીતે વધતી જતી તકલીફને જોઈ અનિશા બેનના ભાઈ ઇમરાનએ હાજર નર્સિંગ સ્ટાફને જાણ કરી હતી અને તાત્કાલિક ડો. ઝીલ પટેલને બોલાવવાનો આગ્રહ કર્યો હતો, તે સમયે અનિશા બેનની પીડાને હલકામાં લઇ હાજર સ્ટાફે હમણાં સારું થઈ જશે તો રાગ આલાપ્યો હતો પરંતુ ઘડિયાળના ફરતા કાંટે અનિશાની તબિયત વધુ ને વધુ લથડી રહી હતી ત્યારે અનિશાના ભાઈએ બુમાં બૂમ કરી ડોકટરને જલ્દીથી બોલાવવા ફરીથી સ્ટાફને જાણ કરી હતી પરંતુ તે સમયે પણ બે થી ત્રણ કલાક જેટલો સમય વહી જતા ડોકટર તો ના આવ્યા પણ મેડિકલ સ્ટોર પર કામ કરનાર ફરમીસ્ટએ આવી અનિશાને ચેક કરવાનો પ્રયાસ કર્યો હતો અને પરિવાર જનોએ જણાવ્યું હતું કે દર્દીને સામેની હોસ્પિટલમાં લઇ જવા પડશે ત્યારે પરિવાર જનોએ આ બાબતનો સ્વિકાર કરી વહેલી તકે ડો. ઝીલ પટેલને બોલાવવાની જીદ પકડી હતી. ત્યારે ડો. ઝીલ પટેલ ક્યારના ગાયબ હતા અને અલાઉદ્દીનના જિન ની જેમ અચાનક પ્રગટ થઈ ગયા હતા અને દર્દીની તપાસ કરવા લાગ્યા હતા. ત્યાર બાદ અનિશાના ભાઈ ઇમરાનના જણાવ્યા અનુસાર ડોકટર અનિશાના છાતીના ભાગે પંપિંગ કરવા લાગ્યા હતા, તેમછતા અનિશાની તબિયતમાં કોઈ સુધાર ન જણાતા પરિવાર જનો અનિશાને અન્ય હોસ્પિટલમાં લઇ જઇ રહ્યા હતા ત્યારે ડો.ઝીલ પટેલે તેઓને ફરીથી અંદર બોલાવી અનિશાને છાતીના ભાગે પંપિંગ કરવાનું શરૂ કર્યું હતું. તેમછતાં યોગાનુયોગ કહો કે પછી અનિશાના સ્નેહીજનોના જણાવ્યા મુજબ ડો. ઝીલ પટેલની બેદરકારી….!! અનિશા પોતાના ૧૫ વર્ષના પુત્ર, ૯ વર્ષની એક તેમજ તાજી જન્મેલી બીજી દિકરી એમ કુલ ત્રણ બાળકોને એકલા મૂકી જન્નતના દ્વારે પહોંચી ગઈ હતી. ( આ તમામ બાબતને લઈ જો હોસ્પિટલના C C T V ની તપાસ કરવામાં આવે તો સત્ય હકિકત સામે આવી જાય એમ છે ) પરંતુ આ એક વિચાર કે પછી લખવા પૂરતું યોગ્ય લેખાય….!! હકીકતમાં આવું થવું મુશ્કેલ જ નહી નામુમકીન છે. જેના વિશે આવતા કોલમમાં સવિસ્તાર લખીશ… (ત્રણ બાળકોમાં એક પુત્ર અને બે દિકરીઓની માઁ એવી એક મૃતક દિકરીના પરિવાર જનોની આવાજને દબાવવા પોતાની દિકરીની તરફેણ કરવા એક સરકારી કર્મચારી રાજકીય દબદબા સાથે કઈ રીતે બેશરમ બન્યા હતા).

કારણ કે સાજી ભલી લઈને આવેલ એક સ્ત્રીને લાસ સ્વરૂપે લઈ જવા કોણ રાજી થાય..!!? આવોજ બનાવ બનતા શ્રી ઓર્થોપેડિક એન્ડ મેટરનીટી નામક હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબ ઝીલ પટેલનો વિરોધ કરવા મૃતક અનિશાના પરિવાર જનો સહિત અનેક લોકો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને અનિશા સાથે શુ બન્યું… એની મોત કયા કારણે થઈ….!!? એવા અનેક પ્રશ્નોની બુમો ઉઠવા પામી હતી, પરંતુ થોડીજ ક્ષણોમાં એક સરકારી કર્મચારી સાથે રાજકીય કાફલો હોસ્પિટલના દરવાજે ખડકાઈ ગયો હતો અને જોત જોતામા પોલીસ કુમક પણ આવી પહોંચ્યું હતું. મૃતકના પરિવારજનોની રજુઆત મુજબ પોલીસે એ. ડી. દાખલ કરી પેનલ પી. એમ. માટે મૃતકને ગોધરા સિવિલ ખાતે મુક્યા છે. અને પી. એમ રિપોર્ટના આધારે એફ. આઈ. આર દાખલ કરવાની બાંહેદારી આપી છે.

( વધુ આવતા કોલમમાં )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here