કોવિડ-૧૯ના વધતા સંક્રમણને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લામાં હાટ બજાર, સભા સરઘસ તથા ધાર્મિક મેળાવડા પર લદાયો પ્રતિબંધ

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

હાલમાં ગુજરાત રાજય તેમજ છોટાઉદેપુર જિલ્લામાં કોવિડ-૧૯ના કેસોમાં થઇ રહેલા વધારાને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટ સુજલ મયાત્રાએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪ અને ગુજરાત એપેડેમિક ડિસીઝ, કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ -૨૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૩ અને ૩૪ અન્વયે તા. ૧૯/૦૩/૨૦૨૧ થી તા. ૨૬/૦૩/૨૦૨૧ સુધી અમલમાં રહે તે રીતે છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે માટે સાપ્તાહિક હાટ બજાર, સભા-સરઘસ અને ધાર્મિક મેળાવડા યોજવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર જિલ્લામાં ભરાતા સાપ્તાહિક હાટ બજાર, સભા-સરઘસ, ધાર્મિક મેળાવડાઓમાં ઘણી મોટી સંખ્યામાં ભીડ ભેગી થતી હોવાને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવામાં અડચણ ઉભી થાય તેવી શકયતાહોવાને કારણે સંક્રમણમાં વધારો થવાની સંભાવના ધ્યાને લઇ આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે.
આ જાહેરનામું સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ની કલમ-૧૮૮, ધી ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન્સ એકટ-૨૦૨૦ની જોગવાઇઓ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૫૧ થી ૫૮ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ, જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here