કાલોલ પંથકમાં ભાદરવાનો ભરપૂર મિજાજ, ગાજવીજ સાથે બુધવારે ચાર કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો… કાલોલ શહેરમાં ઠેરઠેર પાણી ભરાતા નગરજનોને ભારે પરેશાન

કાલોલ, (પંચમહાલ મુસ્તુફા મીરઝા :-

કાલોલ પંથકમાં ભાદરવાના ભરપૂર મિજાજનો પરચો બતાવતા ગાજવીજ સાથે પાછલા એક સપ્તાહમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે, જે મધ્યે બુધવારે દિવસભર ગાજવીજ સાથે મનમૂકીને વરસતા બપોર સુધીમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. બુધવારે બપોરના સુમારે ખાબકેલા દોઢ ઇંચ વરસાદને પગલે કાલોલ પાલિકા ભવન વિસ્તારમાં જ રસ્તાઓ પર ઢીંચણ સમા વરસાદી પાણીના નિકાલને અભાવે પાણીનો ભરાવો થતાં આવનજાવન અંગે મુશ્કેલીઓ સર્જાતા પાલિકાના નગરનિયામકો પણ અચંબામાં પડી ગયા હતા, જેથી દિવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો હતો. જ્યારે બીજી તરફ કચેરી રોડ પર આવેલી કુમાર પ્રાથમિક શાળા અને ઉર્દૂ શાળાના પટાંગણમાં પણ વરસાદી પાણીના નિકાલને અભાવે પટાંગણમાં ઢીંચણ સમા પાણીનો ભરાવો થતાં શાળાના ભુલકાઓની હાલત કફોડી બની હતી, બપોરના સુમારે મધ્યાહન ભોજનના સુમારે બાળકોને ભોજન આપવામાં અને બાળકોને ભોજન કરવામાં હાલાકીઓ ભોગવવી પડે એવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે રિશેષ દરમ્યાન ઘેર જવા આવવાની પણ ભારે વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવી હાલાકીઓ જોવા મળી હતી. આમ ચોમાસાના અંતિમ તબક્કામાં પહોંચેલા પાછોતરા વરસાદ વચ્ચે બુધવારે વરસેલા દોઢ ઇંચ વરસાદે નીચાણવાળા વિસ્તારો સહિત ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણીએ પાલિકાના થીંગડા સમાન મારેલા સમારકામોને પણ ધોઈ નાંખતા વિકાસના કામોની પોલ ખુલી કરી દીધી હતી.

તસવીર કાલોલ પંથકમાં બુધવારે ખાબકેલા દોઢ ઇંચ વરસાદને પગલે પાલિકા ભવન અને કુમાર શાળાના પટાંગણમાં ભરાયેલા વરસાદી પાણી તસવીરોમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here