કાલોલ : નવા ખૂલેલા પોરવાલ મોલની ખુલી પોલ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

એકસપાયરી ડેટ ધરાવતો અખાદ્ય જથ્થો ઝડપાયો,તંત્રએ ૧૮.૫ કિગ્રા ખજૂર અને દ્રાક્ષનો નાશ કરાવ્યો…

મહાનગરો અને મોટા શહેરોમાં મોલ કલ્ચરે પગ પેસારો કરી સામ્રાજ્ય જમાવ્યા બાદ હવે નાના શહેરો તરફ પણ વ્યાપ વધી રહ્યો છે. આવા મોટા મોલ અંગે લોકો એવો ભ્રમ ધરાવે છે કે મોલમાં ઓછા દામે સારી વસ્તુઓ મળી રહે છે. પરંતુ મોલ કલ્ચરની બીજી બાજુ મોલ સંચાલકો પણ લોભામણી જાહેરાતો આપી ગ્રાહકોને ઉલ્લુ બનાવી હલકી ગુણવત્તાનો માલસામાન પણ પધરાવી દેતા હોવાના કિસ્સાઓમાં પણ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો કાલોલ શહેરમાં પ્રકાશમાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ શહેરમાં મામલતદાર કચેરી સામે નવા શરૂ થયેલ પોરવાલ સુપર માર્કેટમાંથી તાજેતરમાં એક ગ્રાહક દ્વારા ખજૂરના પેકેટને ખરીદી કરી હતી. જે ખજૂરના પેકેટને ઘરે લઈ જઈ ખોલતા તેમાંથી ખજૂરની સાથે જીવાતો પણ મળી આવતા ગ્રાહકોનું પરિવાર ચોકી ઉઠ્યું હતું. જે અંતર્ગત પોરવાલ સુપર માર્કેટમાંથી ખરીદેલા પેકેટ પર લખેલ એક્સપાયરી તારીખ જોતા તેની પર નવા સ્ટીકર મારી ઓરીજીનલ તારીખ છુપાવવામાં આવી હોવાની શંકા જતા જાગૃત ગ્રાહકે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને ફરિયાદ કરતા તંત્ર દ્વારા મોલમાં તપાસ કરતા નવા શરૂ થયેલા આ મોલમાંથી વેચાણ માટે મૂકવામાં આવેલા ફરિયાદના વર્ણન મુજબના ખજૂરના કેટલાક પેકેટ પર એક્સપાયરી ડેટના સ્થાને નવી તારીખના સ્ટીકર ચોંટાળ્યા હોવાનું સામે આવ્યું હતું. જે અંગે ફૂડ ઇન્સ્પેક્ટર અને તેમની ટિમ દ્વારા મોલની તપાસ દરમ્યાન ખજૂરનો રૂ. ૧૮૪૦ની કિંમતનો ૧૧.૫ કી. ગ્રા. જથ્થો તેમજ દ્રાક્ષનો રૂ. ૧૪૦૦ની કિંમત નો ૭.૦૦ કી. ગ્રા.જથ્થો મળી કુલ રૂ. ૩૨૪૦ની કિંમત નો ૧૮.૫ કીગ્રા. જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. જોકે આ મામલે તપાસ કરતા મોલ સંચાલકની ઘણી દસ્તાવેજી પ્રક્રિયા હજી અધુરી છે અને ફુડ અંગે કોઈ લાયસન્સ પણ લીધેલું નહીં હોવાથી તંત્રએ મોલ સંચાલકને લાયસન્સ અંગે તાકીદ આપતા મોલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
આમ મોલમાં મળતી તમામ વસ્તુઓ ગુણવત્તા યુક્ત જ હોય છે એ ભ્રમ પરથી પણ પરદો ઉઠી જવા પામ્યો હતો. જ્યારે બીજી તરફ આ સમગ્ર મામલે ફૂડ ઇન્સપેક્ટર દ્વારા ઉપરી અધિકારીને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here