કાલોલ તાલુકાના વેજલપુરમાં પરંપરા મુજબ છ દિવસનું આતિથ્ય માનીને શાંતિપૂર્ણ વાતાવરણમાં વિઘ્નહર્તાને વિદાય આપી: મહિષા તળાવમાં વિસર્જન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ તાલુકાના વેજલપુરમાં દશ જેટલા ગણેશ મંડળોના પંડાળોમાં મોંઘેરા મહેમાન બનેલા ગણેશજીને છઠ્ઠા દિવસે વિદાય આપવાની પરંપરાને અનુસરે છે જે મુજબ મંગળવારે સાંજે ધામધૂમથી ઉત્સાહમય એવા શાંતિપૂર્ણ વાતાવરણમાં મંગલમુર્તિને વિદાય આપવામાં આવી હતી. વેજલપુરની પરંપરા મુજબ શ્રીજીની સ્થાપના અને વિસર્જન સૌપ્રથમ રામજી મંદિરના સાર્વજનિક ગણેજીથી કરવામાં આવે છે, જેથી વિસર્જનયાત્રાનો પ્રારંભ પણ સવારે રામજી મંદિરના સાર્વજનિક ગણેજીની વિધિવત પૂજા કરીને પુજારીઓ દ્વારા પાલખીમાં બેસાડીને ઘેર ઘેર પધરામણી કરાવીને વિધિવત વિદાય આપવાની પરંપરાને અનુસરે છે જે પછી વેજલપુરના તમામ મંડળોના ગણેશજી કાછીયાવાળ વિસ્તારમાં ગામના કાછીયાવાડ, નાની કાછીયાવાડ, માળી ફળિયું, ચોરા ફળિયા, રોહિતવાસ, સિદ્ધિ વિનાયક સોસાયટી, શિક્ષક સોસાયટી, ખેડા ફળિયા સહિતના તમામ મંડળોના વાહનો દ્વારા ગણેશજી એકત્રિત થઈને વિસર્જન યાત્રાનો પ્રારંભ કરે છે, જ્યાંથી દરેક મંડળના આયોજન મુજબ ડીજે અને બેન્ડ વાજાના સંગે, અબીલ ગુલાલની છોળોના રંગે રંગાઈને ‘ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તુ જલ્દી આ’ના નિનાદ અને નાચગાન સાથે ધુમધામથી ભવ્ય શોભાયાત્રા નીકળે છે, જે કાછીયાવાડથી નાની કાછીયાવાડ, માળી ફળિયું, ચોરા ફળિયાના માર્ગે મુખ્ય બજારમાં પસાર થઈને મોડી સાંજે મહિષા તળાવ ખાતે જરૂરી વિસર્જન કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વેજલપુરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં વિઘ્નહર્તાને વિદાય આપવા માટે ડીવાયએસપી-૧, પી આઈ-૧, પોસઈ-૬, કોન્સ્ટેબલ-૮૬, એસ આર પી-૬૪, હોમગાર્ડ- ૬૪ અને જીઆરડી -૧૦ મળીને કુલ ૨૩૨ કર્મીઓનો સમગ્ર રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here