કાલોલમાં વધુ બે પોઝીટીવ કેસો નોંધાયા, તાલુકાના નેસડા ગામનો ૩૫ વર્ષિય યુવક અને કાલોલ શહેરમાં ૩૭ વર્ષિય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકામાં રવિવારે સવારે તાલુકાના દેલોલ ગામની ૪૭ વર્ષિય રાજશ્રીબેન ભટ્ટ (આશાવર્કર) કોરોના સંક્રમણથી પ્રભાવિત બન્યા હોવાના પડઘમ હજી શમે એ પહેલાં રવિવારે સાંજે વધુ બે પોઝીટીવ કેસો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી. જે બે કેસોમાં તાલુકાના નેસડા ગામનો ૩૫ વર્ષિય યુવક નામે સુરપાલ રતિલાલ સોલંકી અને કાલોલ શહેરના રાજપુત ફળિયાની ૩૬ વર્ષિય નમ્રતાબેન કુણાલકુમાર દેસાઈ (મુળ રહે, સુરત) મહિલાનો રિપોર્ટ કોરોના પોઝીટીવ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. અત્રે સુરપાલની ટ્રાવેલ હિસ્ટ્રી મુજબ એ પાછલા સપ્તાહે તેના અંગત કામ અંગે અમદાવાદ જઈને આવ્યો હતો, જે પ્રવાસ દરમિયાન સંક્રમણથી પ્રભાવિત બનતા તાજેતરમાં તેની તબિયત લથડતા યુવકનો કોરોના સેમ્પલનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, જેને પગલે આરોગ્ય વિભાગ દ્વારા યુવકને કોરોના સારવાર અર્થે ગોધરા ખાતે કોરોના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયારે બીજો પોઝીટીવ કેસ ધરાવતા નમ્રતા દેસાઈની સાસરી સુરત છે પરંતુ તેઓ તાજેતરમાં અનલોક-૨ દરમ્યાન પોતાના પિયર કાલોલમાં આવ્યા હતા. જયાં પિયરમાં તેમની તબિયત નાદુરસ્ત બનતા શહેરની ખાનગી હોસ્પિટલમાં દ્વારા તેમનો કોરોના રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જોકે તેઓ મુળ સુરતના હોવાથી તેમના પરિવારજનો અને સાસરીયાના આગ્રહને પગલે તેમનો કોરોના રીપોર્ટનો કેસ અને સારવાર અર્થે તાજપુરાથી સુરત કોરોના હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ હાલમાં તેઓને તાત્કાલિક અસર હેઠળ તાજપુરા સ્થિત કોરોના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે બંને પોઝીટીવ કેસો સ્થાનિક લેવલે પ્રભાવિત બન્યા હોવાથી તેમના સંપર્કમાં આવેલા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જે અંતર્ગત કાલોલ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેરના રાજપુત ફળિયા અને તાલુકાના નેસડા ગામના બન્ને પ્રભાવિત વિસ્તારોમાં સેમ્પલ અને સર્વે કરવાની કામગીરી હાથ ધરી હતી. આમ કાલોલ શહેર અને તાલુકામાં થોડા વિરામ બાદ અનલોક-૨ના તબક્કે પુનઃ પગ પસારો કરતા રવિવારે એક સાથે ત્રણ કોરોના પોઝીટીવ કેસો પ્રકાશમાં આવતા વધતા જતા કોરોના કહેરનો શહેરમાં ૧૩મો અને તાલુકામાં કુલ ૨૩મો પોઝીટીવ કેસોનો આંક નોંધાયો હતો. જે પૈકી ૨ મોત અને ૧૩ દર્દીઓ રિકવર બની ઘેર પરત હતા, જ્યારે કાલોલ શહેરમાં -૪ અને તાલુકાના ૩ કેસો મળી હાલમાં ૭ કેસો કોરોના સારવાર હેઠળ પ્રભાવિત હોવાનું તંત્રએ જણાવ્યું હતું. જોકે બિનસત્તાવાર રીતે મળેલ માહીતી મુજબ હજુ બે જેટલા પોઝિટિવ કેસો કાલોલ માં હોવાનું જાણવા મળ્યું છે જેની સતાવાર જાહેરાત કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here