કાલોલના અલાલી ગામથી અંબાજી પગપાળા જતા યાત્રાળુઓને માલપુર હાઈવે સ્થિત ટોલનાકા પાસે નડયો ગોઝારો અકસ્માત… છ યાત્રાળુઓના મોત, સાત ઈજાગ્રસ્ત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

લુણાવાડા મોડાસા હાઈવે સ્થિત માર્ગ અકસ્માતનો ભોગ બનેલા પદયાત્રીઓમાં કાલોલ તાલુકાના અલાલી ગામના બે યુવાનોનું મોત અને ચાર ઈજાગ્રસ્ત

શુક્રવારે વહેલી સવારે સાડા સાત વાગ્યના સુમારે પાછળથી ઘસમસી આવતી ઈનોવા કારના ચાલકે પગપાળા યાત્રાળુઓને લપેટમાં લેતા હોનારત સર્જાઇ

માર્ગ અકસ્માતની ઘટનામાં ભોગ બનેલા મૃતકોમાં બે કાલોલ તાલુકાના અલાલી ગામના, બે લીમખેડા તાલુકાના અને બે મેઘરજ તાલુકાના

કાલોલ તાલુકાના અલાલી ગામથી બે દિવસ પહેલા જ બુધવારે સવારે બાવન ગજની ધજા અને માતાજીનો રથ સાથે અંબાજીધામ જવા માટે નિકળેલા પગપાળા યાત્રાળુઓના સંઘને શુક્રવારે વહેલી સવારે અરવલ્લી જિલ્લાના માલપુર હાઈવે સ્થિત ટોલનાકા પાસેથી પસાર થતા સમયે પાછળ લુણાવાડા તરફથી યમદૂત બનીને ઘસમસી આવેલી એક ઈનોવા કારના ચાલકે પગપાળા યાત્રાળુઓને લપેટમાં લઈ લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં ઈનોવા કારના ઘસમસતા વેગ અને તોતિંગ પૈડાંઓ નીચે ઘટના સ્થળે જ ૬ યાત્રાળુઓના કરુણ મોતનો અંજામ આપ્યો હતો, જ્યારે પાંચ યાત્રાળુઓ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેમને તાત્કાલિક અસરથી ૧૦૮ મારફતે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શુક્રવારે સવારે ઘટેલા આ ગોઝારા અકસ્માતની ઘટના અંગે મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલી જાણકારીને પગલે કાલોલ તાલુકાના અલાલી ગામ સહિત સમગ્ર કાલોલ પંથકના ભાવિકોમાં ગમગીનીના વાદળો છવાયા હતા. અકસ્માત જાણકારીને પગલે અલાલી ગામના આગેવાનો અને કાલોલ તાલુકાના નેતાઓ પણ અકસ્માત સ્થળે દોડી ગયા હતા જેમને ગોઝારા અકસ્માતનો ભોગ બનેલા મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારજનોને સાંત્વના આપી ઈજાગ્રસ્ત બનેલા યાત્રાળુઓ માટે તાત્કાલિક અસરથી સારવાર હેઠળ ખસેડીને રાહત અને બચાવકાર્ય માટે સ્થાનિક તંત્રને મદદરૂપ બન્યા હતા.

લુણાવાડા-માલપુર હાઈવે સ્થિત ગોઝારા અકસ્માતનો ભોગ બનેલા મૃતકોના નામો

(૧) પંકજભાઇ રમણભાઇ જાદવ ઉ.વ.૨૩, રહે.અલાલી, તા.કાલોલ, જી.પંચમહાલ
(ર) પ્રકાશભાઇ મંગળભાઇ રાઠોડ, ઉ.વ.૨૪, રહે.અલાલી, તા.કાલોલ, જી.પંચમહાલ,
(૩) સંજયકુમાર નરેશભાઇ બીલવાળ, ઉં.વ.૨૧, રહે.વલુંડી, તા.લીમખેડા, જી.દાહોદ,
(૪) અપસીંગભાઇ સોનીયાભાઇ બારીયા, ઉ.વ.૨૭, રહે,ખીરખાઇ, (દેવધા ફળી) તા.લીમખેડા, જી.દાહોદ,
(૫) વિક્રમભાઇ રૂપાભાઇ અડ, રહે.ગોડીયા, તા.ઝાલોદ, જી.દાહોદ,
(૬) સુરેશભાઇ મોહનભાઇ બામણીયા, ઉં.વ.૧૪, રહે.કૃષ્ણપુર, તા.મેઘરજ, જી.અરવલ્લી

ઈજાગ્રસ્ત યાત્રિકો
(૧) ખુમાનસિંહ મંગળસિંહ પરમાર, રહે.અલાલી, તા.કાલોલ, જી.પંચમહાલ,
(૨) રોહિતકુમાર જીતેન્દ્રસિંહ રાઠોડ, રહે.અલાલી, તા.કાલોલ, જી.પંચમહાલ,
(૩) અતુલકુમાર ઉદેસિંહ પરમાર, રહે.અલાલી, તા. કાલોલ, જી.પંચમહાલ,
(૪) ધર્મેન્દ્રસિંહ રતીલાલ ચૌહાણ, રહે ચોરાડુંગરી તા.કાલોલ, જી.પંચમહાલ
(૫) શૈલેષભાઇ કાળાભાઇ નટ, રહે.કૃષ્ણપુર, તા.મેઘરજ, જી.અરવલ્લી

કાલોલ તાલુકાના અલાલી ગામેથી પાછલા પાંચ વર્ષથી પગપાળા સંઘ યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેથી આ વર્ષે પણ બાવન ગજની ધજા અને માતાજીના રથ સાથે અલાલી અને આજુબાજુના ગામોમાંથી બુધવારે સવારે લગભગ ૧૫૦ જેટલા યાત્રાળુઓએ અંબાજી જવા માટે પ્રસ્થાન કર્યું હતું. ૧૫૦ યાત્રાળુઓના આ સંઘે બુધવારે રાત્રે ખાડીયા ગામના પાટિયા ખાતે વિસામો લીધો હતો અને ગુરુવારે વહેલી સવારે યાત્રિકોએ આગળ વધતા ગુરૂવારે સાંજે મહિસાગર જિલ્લાના લુણાવાડા પાસેની એક દાણ ફેક્ટરીના વિસામા ખાતે રાત્રી વિસામો લીધો હતો, ને શુક્રવારે વહેલી સવારે એ વિસામાથી યાત્રા આગળ વધતા માલપુર ટોલનાકા પાસે પસાર થતા સમયે પાછળથી ઘસમસી આવેલી ઈનોવા ગાડીએ તદ્દન નિર્દોષ અને અજાણ રીતે ચાલી રહેલા યાત્રાળુઓના ટોળા પર ઘસી જતા આ ગોઝારી ઘટના સર્જાઇ હતી. વહેલી સવારે સર્જાયેલી આ ગમખ્વાર અકસ્માત ઘટનાને પગલે ઘટનાસ્થળે હાઈવે પર ભોગ બનેલા યાત્રિકોની કાળ ચીસો ગુંજી ઉઠી હતી.

અલાલી ગામથી અંબાજી પગપાળા જવા નિકળેલા આ સંઘને નડેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા પાંચ યાત્રિકો પૈકીના એક ચોરાડુંગરી ગામના ઈજાગ્રસ્ત ધર્મેન્દ્રસિંહ રતીલાલ ચૌહાણને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર અર્થે મોડાસા સ્થિત એઈમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોએ માથાના ભાગની ગંભીર ઇજાઓને કારણે કોમમાં સરી પડ્યા હોવાની પુષ્ટિ કરી હતી જેથી ઈજાગ્રસ્તના પરિવારજનોની હાલતને ધ્યાનમાં રાખીને સ્થાનિક નેતાઓ અને સમગ્ર ચોરાડુંગરી ગામના ગ્રામજનોએ રાહત અને બચાવ માટે સહયોગ અભિયાન આદરીને ઈજાગ્રસ્તના પરિવારને મદદરૂપ બની રહ્યા છે.

અલાલી ગામથી અંબાજી ધામ સુધીની પગપાળા સંઘ યાત્રાનું આયોજન અકસ્માતમાં ભોગ બનેલા પ્રકાશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું, જેને આ પગપાળા સંઘના આયોજન માટે જે પત્રિકા છપાવી હતી એ પત્રિકાના શબ્દો આ ઘટના અંગે ઘણા સુચક હોવાનું જાણવા મળ્યું છે, જાણેઅજાણે પ્રકાશભાઈ રાઠોડને પુર્વભાસ હોય તેમ આ યાત્રા અંતિમયાત્રા હોય તેમ સુચક રીતે અગોચર પંક્તિ છપાવીને માતાજીની ગોદમાં જતા આ માઈભક્તને છીનવી લીધો હોય તેમ પરિચિત લોકોની આંખોને આ શબ્દો ભીંજવી રહ્યા છે.

કાલોલ તાલુકાના પગપાળા જતા યાત્રાળુઓને નડેલા ગોઝારા માર્ગ અકસ્માતની ઘટનાની જાણકારીને પગલે કાલોલ તાલુકા મતવિસ્તારના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ અને કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર સહિતના શિર્ષ નેતાઓ તાત્કાલિક અસરથી સવારે માલપુર હાઈવે સ્થિત ઘટના સ્થળે દોડી ગયા હતા જેમને અકસ્માતનો ભોગ બનેલા મૃતકો અને ઈજાગ્રસ્તોની સારવાર માટે પરિવારજનોને સાંત્વના આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here