આસો નવરાત્રિ દરમિયાન પાવાગઢથી માંચી સુધીના રસ્તા ઉપર ખાનગી વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

વાહનો કે પશુઓ દ્વારા સાધન સામગ્રીનું વહન કરી શકાશે નહીં

પંચમહાલ જિલ્લામાં પાવાગઢ યાત્રાધામ ખાતે આસો નવરાત્રિ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. પાવાગઢ ખાતે આ દરમિયાન કોઈ દુર્ઘટના કે જાનહાનિ ન સર્જાય તે માટે ટ્રાફિકનું નિયમન કરવું જરૂરી હોઈ જાહેર હિતમાં પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રૂટ પર ટ્રક, ટેમ્પો, જીપ, લક્ઝરી બસ, મેટાડોર, ઓટોરીક્ષા, દ્વિચક્રી વાહનો સહિત તમામ પ્રકારના ખાનગી વાહનોની અવર-જવર તથા ચીજવસ્તુઓ સાથે કે ચીજવસ્તુઓ વગર પશુઓ દોરી જનારાઓ કે તે દ્વારા માલ સામગ્રી વહન કરનારાઓ ઉપર નિયંત્રણ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) અન્વયે મળેલ અધિકારની રૂએ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા પ્રસિદ્ધ કરાયેલ આ જાહેરનામા અનુસાર તા. ૩૧/૧૦/૨૦૨૦ સુધી પાવાગઢ ખાતે તળેટીથી માંચી જવાના રસ્તા ઉપર ઉપરોક્ત પ્રકારના ભારે તથા હળવા વાહનો અવર-જવર કરી શકશે નહીં. આ ઉપરાંત કોઈપણ પ્રકારના વાહનો કે પશુઓ દ્વારા સાધન સામગ્રી કે ચીજવસ્તુઓનું વહન કરવા ઉપર તેમ જ માંચીથી દુધિયા તળાવ પાવાગઢ સુધીના રસ્તા ઉપર પશુઓ દોરી જનારાઓની અવર-જવર ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હુકમ આવશ્યક ચીજ વસ્તુઓનું પરિવહન કરતા વાહનો, એસ.ટી બસો, સરકારી ફરજ ઉપરના વાહનો તથા આરોગ્ય સેવાઓ માટે ઉપયોગમાં લેવાનાર વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here