ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
એડમિટ કાર્ડમાં વિદેશી સેન્ટર દર્શાતા પરિવાર ચિંતિત, NTAએ ભૂલ સુધારવાની આપી ખાતરી

નવી દિલ્હી/નાગપુર: NEET UG 2026ની રિ-એક્ઝામ પહેલાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની એક ટેકનિકલ ભૂલ ચર્ચાનો વિષય બની છે. નાગપુરના એક વિદ્યાર્થીના એડમિટ કાર્ડમાં પરીક્ષા કેન્દ્ર તરીકે ભારતના બદલે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબી સ્થિત એક શાળાનું નામ દર્શાવવામાં આવતા વિદ્યાર્થી અને તેના પરિવારને ભારે આશ્ચર્ય થયું હતું.
માહિતી મુજબ, નાગપુરના અબ્દુલ્લા મોહમ્મદ તાલિબ નામના વિદ્યાર્થીએ NEET UG 2026 માટે નિયમિત રીતે અરજી કરી હતી અને પરીક્ષા કેન્દ્ર માટે સ્થાનિક વિકલ્પો પસંદ કર્યા હતા. જોકે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા બાદ તેમાં અબુ ધાબી સ્થિત પરીક્ષા કેન્દ્ર દર્શાવાતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.
પરિવાર દ્વારા NTAનો સંપર્ક
વિદ્યાર્થીના પરિવારજનોએ તરત જ NTAની હેલ્પલાઈન અને સત્તાવાર ઈમેઈલ મારફતે સંપર્ક સાધ્યો હતો. પરિવારનું કહેવું છે કે વિદ્યાર્થી પાસે પાસપોર્ટ પણ નથી, જેના કારણે વિદેશ જઈ પરીક્ષા આપવી શક્ય નથી.
પરિવારના જણાવ્યા અનુસાર, NTA તરફથી તેમને ખાતરી આપવામાં આવી છે કે આ એક ટેકનિકલ ખામી છે અને ટૂંક સમયમાં સુધારેલું એડમિટ કાર્ડ જારી કરવામાં આવશે. વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે આ ઘટનાથી વિદ્યાર્થી માનસિક રીતે વ્યથિત થઈ ગયો હતો, જોકે પરિવારજનોએ તેને હિંમત આપી છે.
NTAએ ભૂલ સ્વીકારી
મામલો જાહેર ચર્ચામાં આવ્યા બાદ NTAએ પ્રાથમિક સ્તરે આ ઘટનાને ટેકનિકલ ખામી ગણાવી છે અને સંબંધિત વિદ્યાર્થી માટે સુધારાત્મક કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી છે. એજન્સીના જણાવ્યા મુજબ, યોગ્ય પરીક્ષા કેન્દ્ર સાથેનું નવું એડમિટ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
21 જૂને યોજાશે રિ-એક્ઝામ
NEET UG 2026ની રિ-એક્ઝામ 21 જૂનના રોજ દેશભરના નિર્ધારિત કેન્દ્રો પર યોજાશે. પરીક્ષા બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી પેન-પેપર મોડમાં લેવામાં આવશે.
NTAએ ઉમેદવારોને સૂચના આપી છે કે તેઓ પોતાના એડમિટ કાર્ડમાં દર્શાવેલી વ્યક્તિગત માહિતી, ફોટોગ્રાફ અને પરીક્ષા કેન્દ્રની વિગતોની સારી રીતે ચકાસણી કરે. કોઈપણ પ્રકારની વિસંગતતા જણાય તો તાત્કાલિક સત્તાવાર હેલ્પલાઈન અથવા ઈમેઈલ મારફતે જાણ કરવી.
આ ઘટના બાદ પરીક્ષા વ્યવસ્થાપન અને ટેકનિકલ પ્રક્રિયાઓ અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે, જ્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષા પહેલાં તમામ વિગતોની ચકાસણી કરવા વધુ સાવચેત બન્યા છે.
