હાલોલની MG મોટર્સ ખાતે ‘વિકસિત ભારત રોજગાર યોજના’ અંતર્ગત પ્રોત્સાહન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

EPFO વડોદરા દ્વારા આયોજિત કાર્યક્રમમાં યુવાનોના રોજગાર, સામાજિક સુરક્ષા અને આર્થિક સશક્તિકરણ પર ભાર

પંચમહાલ: પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત એમજી મોટર્સ (MG Motors) ખાતે ‘વિકસિત ભારત રોજગાર યોજના’ અંતર્ગત વિશેષ પ્રોત્સાહન સહાય (ઇન્સેન્ટિવ) વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. EPFO ક્ષેત્રીય કાર્યાલય, વડોદરા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ મુખ્ય ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પ્રસંગે સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે, ‘વિકસિત ભારત રોજગાર યોજના’ દેશના યુવાનોને રોજગારી સાથે જોડવાની અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાની મહત્વપૂર્ણ પહેલ છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં અંદાજે 61 હજારથી વધુ યુવાનો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે, જ્યારે હજારો નોકરીદાતાઓને પણ રોજગાર સર્જન માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

તેમણે ઉમેર્યું કે સ્ટાર્ટઅપ, MSME, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને કૃષિ ક્ષેત્રમાં સર્જાયેલી નવી તકોના કારણે યુવાનો માટે રોજગારીના અનેક નવા માર્ગો ખુલ્યા છે. યોજના અંતર્ગત પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાનોને રૂ. 15,000ની સહાય બે હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી રહી છે.

વડાપ્રધાનશ્રીનો વર્ચ્યુઅલ સંવાદ

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના લાભાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ યોજના માત્ર રોજગાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ યુવાનોના આત્મવિશ્વાસ અને આર્થિક સશક્તિકરણ સાથે જોડાયેલું એક મહત્વપૂર્ણ અભિયાન છે.

વડાપ્રધાનશ્રીએ માહિતી આપતાં જણાવ્યું કે અત્યાર સુધીમાં 70 લાખથી વધુ પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાનોને સામાજિક સુરક્ષાનો લાભ મળ્યો છે, જ્યારે 20 લાખથી વધુ યુવાનોએ પોતાની પ્રથમ નોકરીના છ મહિના સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ અંતર્ગત આશરે 10 લાખ યુવાનોને પ્રોત્સાહન સહાય આપવામાં આવી રહી છે અને રૂ. 2,400 કરોડથી વધુની રકમ DBT દ્વારા સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવી છે.

તેમણે મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ડિજિટલ ઇકોનોમી જેવી પહેલોના કારણે દેશમાં ઉત્પાદન, નિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે થયેલા વિકાસનો પણ ઉલ્લેખ કર્યો હતો.

શ્રમિકો અને ઉદ્યોગજગત બંને રાષ્ટ્ર નિર્માતા

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દેશના વિકાસમાં શ્રમિકો અને ઉદ્યોગજગત બંનેનું મહત્વપૂર્ણ યોગદાન છે. નવા શ્રમ કાયદાઓ દ્વારા મહિલાઓ અને પુરુષોને સમાન કામ માટે સમાન વેતન, સામાજિક સુરક્ષા અને વિવિધ કલ્યાણકારી લાભો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે હાલમાં દેશમાં 94 કરોડથી વધુ શ્રમિકો વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે અને ભારતના શ્રમ સુધારાઓને વૈશ્વિક સ્તરે પણ પ્રશંસા મળી રહી છે.

યુવાનોને યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ

આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમારે પણ યુવાનોને સંબોધિત કરતાં ‘વિકસિત ભારત રોજગાર યોજના’નો મહત્તમ લાભ લેવા અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી બનવા આહવાન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન રોજગાર સર્જનમાં નોંધપાત્ર યોગદાન આપનાર વિવિધ સંસ્થાઓ તેમજ પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાનોને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહન સહાય અને ઇન્સેન્ટિવનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં હાલોલના પ્રાંત અધિકારી શ્રી જે.ડી. પટેલ, ઉદ્યોગજગતના અગ્રણી પ્રતિનિધિઓ, નોકરીદાતાઓ, મોટી સંખ્યામાં યુવાનો તેમજ વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



આ પણ વાંચો :-