પાવાગઢમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખાસ નિર્ણય: આગામી બે મહિના સુધી રવિવારે ખાનગી વાહનોના પ્રવેશ પર નિયંત્રણ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

યાત્રાધામ ખાતે વધતી ભીડને ધ્યાનમાં રાખી તંત્રની કાર્યવાહી, પાર્કિંગ ક્ષમતા મુજબ જ મળશે વાહન પ્રવેશ

પંચમહાલ: યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારના દિવસોમાં ઉમટતા શ્રદ્ધાળુઓના વિશાળ ધસારા અને ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.જે. પટેલ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર આગામી બે મહિના દરમિયાન તમામ રવિવારે ટ્રાફિક નિયમન અને સલામતી જાળવવા માટે વિશેષ પ્રતિબંધો અમલમાં રહેશે.

જાહેરનામા મુજબ તળેટીથી માચી સુધીના માર્ગ પર માત્ર સરકારી એસ.ટી. બસો, સરકારી ફરજ પરના વાહનો તેમજ પાવાગઢ ગામની કાયમી ટેક્સી પાસિંગ ધરાવતી ગાડીઓને જ અવરજવર કરવાની મંજૂરી આપવામાં આવશે.

ખાનગી વાહનો માટે માચી ખાતે ઉપલબ્ધ પાર્કિંગ ક્ષમતાના આધારે જ પ્રવેશ આપવામાં આવશે. જો પાર્કિંગ સંપૂર્ણ ભરાઈ જશે તો કોઈપણ ખાનગી વાહનને તળેટીથી ઉપર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

વિવિધ પ્રવેશ માર્ગો પર પણ પ્રતિબંધ

ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ રાખવા માટે હાલોલ ટીમ્બી ત્રણ રસ્તા, જેપુરા ચોકડી, વડાતળાવ ચોકડી, ઢીંકવા ચોકડી અને ધનકુવા ચોકડી તરફથી પાવાગઢ તરફ જતા ખાનગી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત માચીથી દુધિયા તળાવ સુધીના માર્ગ પર પશુઓ દ્વારા માલસામાનનું પરિવહન કરવા તેમજ પશુઓ દોરીને લઈ જવા પર પણ પ્રતિબંધ રહેશે.

20 જૂનથી 20 ઓગસ્ટ સુધી અમલ

આ જાહેરનામું તા. 20 જૂન 2026થી તા. 20 ઓગસ્ટ 2026 સુધીના તમામ રવિવાર માટે અમલમાં રહેશે.

જો કે, આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરતા વાહનો, સરકારી એસ.ટી. બસો, સરકારી ફરજ પરના વાહનો તેમજ આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા એમ્બ્યુલન્સ જેવા વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

પાર્કિંગ સંચાલકો માટે પણ સૂચનાઓ

તંત્ર દ્વારા ખાનગી પાર્કિંગ સંચાલકોને પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ પાવાગઢ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નક્કી કરાયેલા દર કરતાં વધુ ચાર્જ વસૂલશે નહીં.

ખેતીની જમીન પર ખાનગી પાર્કિંગ ચલાવવા ઇચ્છતા જમીન માલિકો અથવા સંચાલકોએ જરૂરી પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે.

જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિયમો અને પ્રતિબંધોનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓને વધુ સુવિધાજનક અને સલામત પ્રવાસનો અનુભવ મળે તેમજ ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે હેતુથી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.



આ પણ વાંચો :-