RE-NEET (UG) પરીક્ષાને લઈ પંચમહાલમાં કડક સુરક્ષા વ્યવસ્થા: પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશ જાહેર…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

21 જૂને યોજાનારી પરીક્ષાના સુચારુ અને નિષ્પક્ષ આયોજન માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ વિવિધ નિયંત્રણો અમલમાં રહેશે

પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં આગામી તા. 21 જૂન, 2026ના રોજ યોજાનારી RE-NEET (UG) પરીક્ષા-2026ને શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.જે. પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડી પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો અમલમાં મૂકવામાં આવ્યા છે.

જાહેરનામા મુજબ, તા. 21 જૂનના રોજ સવારે 10:00 કલાકથી સાંજના 6:00 કલાક સુધી જિલ્લાના તમામ નિયત પરીક્ષા કેન્દ્રોની આસપાસ ખાસ પ્રતિબંધો લાગુ રહેશે.

પરીક્ષા કેન્દ્રોની ચારેય દિશામાં 100 મીટરની પરિધિમાં પરીક્ષાર્થીઓ અને ફરજ પરના અધિકૃત સ્ટાફ સિવાય અન્ય કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ કે અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પરીક્ષા દરમિયાન મોબાઈલ ફોન, પેજર, કેમેરા, લેપટોપ, કમ્પ્યુટર, કેલ્ક્યુલેટર (રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા અધિકૃત સાધનો સિવાય), પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્સ નકલો અથવા અન્ય કોઈપણ ઇલેક્ટ્રોનિક અને અભ્યાસ સામગ્રી પરીક્ષા કેન્દ્રમાં લઈ જવાની મનાઈ કરવામાં આવી છે.

પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા તમામ ઝેરોક્સ, કોપિયર અને ફેક્સ મશીન સંચાલકોને પરીક્ષાના સમયગાળા દરમિયાન પોતાની સેવાઓ સંપૂર્ણપણે બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે તે માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ 200 મીટરની ત્રિજ્યામાં લાઉડસ્પીકર, ભૂંગળા, બેન્ડવાજા, રેડિયો અથવા ઘોંઘાટ સર્જતા અન્ય ઓડિયો સાધનોના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જિલ્લામાં 5 પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત

RE-NEET (UG) પરીક્ષા માટે પંચમહાલ જિલ્લામાં કુલ પાંચ પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે:

  • સરકારી ઈજનેરી કોલેજ, ગોધરા
  • સરકારી પોલીટેકનિક કોલેજ, ગોધરા (ગદુકપુર ગામ નજીક)
  • એમ એન્ડ એમ મહેતા હાઈસ્કૂલ, ગોધરા
  • PM શ્રી જવાહર નવોદય વિદ્યાલય, વેજલપુર-કાલોલ
  • PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય, ગોધરા

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓ તેમજ નાગરિકોને જાહેરનામાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.



આ પણ વાંચો :-