ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / રાજકોટ: ગુજરાતમાં મગફળીનું વિક્રમજનક ઉત્પાદન અને ચાલુ વર્ષે સામાન્ય કરતાં વધુ વાવેતર હોવા છતાં સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ તેલબજારમાં આજે સિંગતેલના ડબ્બાના ભાવમાં વધુ રૂ. 30નો વધારો થતાં ભાવ રૂ. 2970થી રૂ. 3020ની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે.
સિંગતેલના ભાવમાં સતત વધારો
ગત વર્ષે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન આશરે 52 લાખ ટન થયું હતું અને તે સમયે સિંગતેલનો ડબ્બો રૂ. 2400થી રૂ. 2500માં મળતો હતો. જોકે, આ વર્ષે સિંગતેલના ભાવમાં અત્યાર સુધીમાં આશરે રૂ. 500થી રૂ. 600નો વધારો થઈ ચૂક્યો છે. જન્માષ્ટમી પૂર્વે તહેવારને ધ્યાનમાં રાખીને ભાવમાં આંશિક ઘટાડો કરી સિંગતેલનો ડબ્બો રૂ. 2800થી રૂ. 2850 કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ ફરી ભાવવધારો શરૂ થયો છે. છેલ્લા ચાર દિવસમાં જ સિંગતેલના ભાવમાં રૂ. 70નો વધારો કરવામાં આવ્યો છે.
વધુ વાવેતર છતાં ભાવવધારો કેમ?
ગુજરાતમાં મગફળીનું સામાન્ય વાવેતર આશરે 16.15 લાખ હેક્ટર થાય છે. તેની સામે ચાલુ વર્ષે 20.68 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. સમગ્ર દેશમાં મગફળીનું સામાન્ય વાવેતર 46.79 લાખ હેક્ટર છે, જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 50.45 લાખ હેક્ટર અને ગત વર્ષે 50.66 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું.
ગત વર્ષની પાકેલી મગફળીનો જથ્થો હજુ પણ બજારમાં ઉપલબ્ધ હોવાનું જણાવાઈ રહ્યું છે. બીજી તરફ, નવરાત્રી બાદ નવા મગફળીના માલની આવક પણ શરૂ થવાની છે. તેમ છતાં બજારમાં શોર્ટ સપ્લાયનું કારણ આગળ ધરીને સિંગતેલના ભાવ વધારાઈ રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
પૂરતો જથ્થો હોવા છતાં ભાવમાં થઈ રહેલો વધારો સપ્લાય મેનેજમેન્ટની ખામી અને ભાવને વાજબી સ્તરે જાળવી રાખવામાં સરકારી તંત્રની નિષ્ફળતા દર્શાવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
મોંઘવારીથી સામાન્ય અને ગરીબ વર્ગ પર ભાર
સિંગતેલના ભાવમાં સતત વધારો થવાથી સામાન્ય અને ગરીબ વર્ગના ઘરખર્ચ પર પણ તેની સીધી અસર પડી રહી છે. અગાઉ તેલના ભાવમાં થોડો પણ વધારો થતો ત્યારે લોકો રસ્તા પર આવીને તેલના ડબ્બા ખખડાવી વિરોધ નોંધાવતા અને સરકાર સામે આંદોલન કરતા હતા.
હવે, વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોની મુશ્કેલીઓ અંગે સરકાર અને નેતાઓની સંવેદનશીલતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. મગફળીનું ઉત્પાદન અને વાવેતર બંને વધ્યા હોવા છતાં સિંગતેલના ભાવ સતત વધી રહ્યા હોવાથી ગ્રાહકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે.
