શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-
ચોમાસા દરમિયાન સંભવિત પૂર પરિસ્થિતિને પહોંચી વળવા શોધ-બચાવ અને સુરક્ષિત સ્થળાંતરની કામગીરીનું જીવંત નિદર્શન

પંચમહાલ : ચોમાસાની ઋતુ દરમિયાન સંભવિત પૂર જેવી કુદરતી આપત્તિઓ સામે અસરકારક રીતે લડી શકાય અને જનજીવનની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે હેતુસર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મહેલાણ ગામ સ્થિત સીમલેટ બેટ ખાતે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા વિશાળ સંયુક્ત મોકડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
પૂર દરમિયાન શોધ-બચાવ (Search & Rescue) અને અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી અંગે યોજાયેલી આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ વિભાગો વચ્ચે સંકલન મજબૂત બનાવવાનો તેમજ કટોકટીની સ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવાની ક્ષમતાની ચકાસણી કરવાનો હતો.
આ સમગ્ર મોકડ્રિલનું આયોજન SDRF ગ્રુપ-05ની નિષ્ણાત ટીમ અને સ્થાનિક વહીવટી તંત્રના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ‘ટેબલ ટોપ એક્સરસાઇઝ’થી કરવામાં આવી હતી, જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને બચાવ ટીમોએ પૂર જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે અપનાવવામાં આવનાર વ્યૂહરચના અને કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
ત્યારબાદ વાસ્તવિક પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કરીને પ્રાયોગિક મોકડ્રિલ હાથ ધરવામાં આવી હતી. SDRFની ટીમે આધુનિક બોટ, લાઈફ જેકેટ અને અન્ય બચાવ સાધનોની મદદથી પૂરના પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરીનું જીવંત પ્રદર્શન કર્યું હતું.
મોકડ્રિલ દરમિયાન પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા તેમજ સ્થાનિક કુશળ તરવૈયાઓની ટીમોએ પણ સક્રિય ભાગ ભજવ્યો હતો. બચાવ કામગીરી બાદ ઘાયલ અથવા અસરગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયાનું પણ સફળ નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ કવાયત દ્વારા આપત્તિના સમયમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન, ઝડપી પ્રતિભાવ અને બચાવ વ્યવસ્થાની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. વહીવટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી મોકડ્રિલ આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે અને સંભવિત જોખમોને પહોંચી વળવા માટે તંત્રને વધુ સજ્જ બનાવે છે.
