સુરતમાં નવનિર્મિત રસ્તો ધસી પડતાં ડમ્પર ફસાયું: ડ્રેનેજ કામગીરી બાદ ગુણવત્તા સામે ઉઠ્યા સવાલો…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ડિંડોલી વિસ્તારમાં પીક અવર્સ દરમિયાન કલાકો સુધી ટ્રાફિક જામ, સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે રોષ

સુરત: સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે વધુ એક વખત સવાલો ઊભા થયા છે. શહેરના લિંબાયત ઝોન હેઠળ આવેલા ડિંડોલી વિસ્તારમાં ડ્રેનેજ કામગીરી પૂર્ણ થયા બાદ બનાવવામાં આવેલ નવો રસ્તો અચાનક ધસી પડતાં એક ડમ્પર તેમાં ફસાઈ ગયું હતું. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકોને કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી.

મળતી માહિતી મુજબ, માનસી રેસીડેન્સી સામે પાણીની ટાંકી નજીક થોડા સમય પહેલાં જ ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રસ્તાનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડ્રેનેજ કામગીરી બાદ યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું ન હોવાને કારણે રસ્તામાં અચાનક તિરાડો પડવા લાગી હતી.

સવારે વ્યસ્ત સમય દરમિયાન રસ્તાનો એક ભાગ ધસી પડતાં ત્યાંથી પસાર થઈ રહેલું ડમ્પર ખાડામાં ફસાઈ ગયું હતું. જેના કારણે મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને સમગ્ર વિસ્તાર ટ્રાફિક જામમાં ફેરવાઈ ગયો હતો. નોકરી-ધંધે જતા હજારો લોકો લાંબા સમય સુધી રસ્તા પર અટવાઈ ગયા હતા.

સ્થાનિક રહિશોનો આક્ષેપ છે કે ડ્રેનેજ કામગીરી બાદ ટેકનિકલ ધોરણોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. પૂરતા પ્રમાણમાં માટીનું પુરાણ અને કોમ્પેક્શન કર્યા વગર જ રસ્તાનું નિર્માણ કરવામાં આવતા થોડા જ સમયમાં રસ્તો બેસી ગયો હોવાનું તેઓએ જણાવ્યું હતું. સ્થાનિકોએ કામગીરીની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તંત્ર દ્વારા નુકસાનગ્રસ્ત માર્ગનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું તેમજ ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં માર્ગ નિર્માણ અને ડ્રેનેજ કામગીરીની ગુણવત્તા અંગે ચર્ચા જગાવી છે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે આવા બનાવો ફરી ન બને તે માટે જવાબદારી નક્કી કરી ગુણવત્તાયુક્ત કામગીરી સુનિશ્ચિત કરવામાં આવે.



આ પણ વાંચો :-