અમદાવાદની ત્રણ સ્કૂલ અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, ઈ-મેલ મળતાં પોલીસ-બોમ્બ સ્ક્વૉડ દોડતું થયું…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / અમદાવાદ: અમદાવાદ શહેરની બોપલની DPS, થલતેજની ઉદગમ અને વેજલપુરની ઝાયડસ સહિત ત્રણ શાળાઓ તેમજ ગાંધીનગર જિલ્લા અને સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતાં ખળભળાટ મચી ગયો છે. ધમકીભર્યો ઈ-મેલ મળવાની જાણ થતાં પોલીસ, બોમ્બ સ્ક્વૉડ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઝાયડસ સહિતની શાળાઓ તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. જેના પગલે ગભરાયેલા વાલીઓ પણ શાળાઓ તરફ દોડી આવ્યા હતા. શાળાઓ ખાતે 108 એમ્બ્યુલન્સ તેમજ પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ગાડીઓ પણ તૈનાત કરવામાં આવી હતી અને ચેકિંગ ઓપરેશન હાથ ધરાયું હતું.

બીજી તરફ ગાંધીનગર જિલ્લા અને સેશન્સ કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર પણ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકીભર્યો મેલ મળ્યો હોવાની માહિતી સામે આવી છે. કોર્ટ પરિસર ખાલી કરાવી તંત્ર દ્વારા તાત્કાલિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ સમગ્ર ઘટનાને પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની તમામ શાળાઓને સતર્ક રહેવા ખાસ સૂચના આપી છે. તમામ સ્કૂલ સંચાલકોને પોતાના સત્તાવાર ઈ-મેલ નિયમિત ચેક કરવા અને કોઈપણ પ્રકારનો ધમકીભર્યો ઈ-મેલ મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવાયું છે. સાથે જ કોઈપણ પ્રકારનો ગભરાટ ન ફેલાય તે રીતે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે શાળાની બહાર કાઢવા અને પોલીસની તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

મહત્વનું છે કે, થોડા દિવસો અગાઉ ગુજરાત હાઈકોર્ટ અને સુરતની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ સાયબર ક્રાઈમ અને સુરત ક્રાઈમ દ્વારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાના થોડા સમય બાદ ફરી બોમ્બની ધમકી મળતાં તંત્રમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

અગાઉ પણ ખોટી બોમ્બ ધમકીઓના કિસ્સા સામે આવી ચૂક્યા છે

અંગત અદાવત, પરીક્ષાની કામગીરી ખોરવવા અથવા સનસનાટી મચાવવાના હેતુથી બોમ્બની ખોટી ધમકી આપવામાં આવી હોય તેવા કિસ્સા અગાઉ પણ સામે આવ્યા છે.

ઓગસ્ટ 2021 – ગુજરાત હાઈકોર્ટ: ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં બોમ્બ પ્લાન્ટ કર્યાનો ધમકીભર્યો પત્ર/મેઇલ રજિસ્ટ્રી શાખાને મળ્યો હતો. સોલા હાઈકોર્ટ પોલીસે સ્થાનિક શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી અદાલતમાં પોતાના અંગત કેસની ચાલી રહેલી કાર્યવાહીથી નારાજ હતો અને ન્યાયિક પ્રક્રિયા પર દબાણ લાવવા માટે આ કૃત્ય કર્યું હતું.

સપ્ટેમ્બર 2023 – સુરત નવી કોર્ટ: સુરતની નવી કોર્ટ બિલ્ડિંગને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઇલ રજિસ્ટ્રાર કચેરીને મળ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે એક કેસના પક્ષકારના પરિચિતે ફેક એકાઉન્ટ બનાવી આ મેઇલ કર્યો હતો, જેથી તે દિવસે કોર્ટની કામગીરી ખોરવાય અને કેસમાં આગામી તારીખ લંબાવી શકાય.

14 ઓક્ટોબર 2023 – નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ: ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ દરમિયાન સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેલ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે રાજકોટના ધર્મોલી ગામથી કરણ માળી નામના 24 વર્ષના યુવકની ધરપકડ કરી હતી. આરોપીએ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેમસ થવા અને ફોલોઅર્સ વધારવા માટે આ ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું.

18 જૂન 2024 – અમદાવાદ સહિત દેશભરના એરપોર્ટ: અમદાવાદ અને વડોદરા સહિત દેશના અનેક એરપોર્ટને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. ટેકનિકલ તપાસમાં સાયબર ઠગ ટોળકીનું નેટવર્ક સામે આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓનું ધ્યાન ભટકાવી ક્રિપ્ટોકરન્સી મારફતે આર્થિક લાભ મેળવવાના હેતુથી માસ મેઇલિંગ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

હાલની અમદાવાદ અને ગાંધીનગરની ધમકીઓ અંગે પોલીસ, બોમ્બ સ્ક્વૉડ અને સંબંધિત સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ અને ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.



આ પણ વાંચો :-